તુર્કી અને સીરીયામાં ગઈકાલે આવેલા વિનાશક ભૂકંપથી અત્યંત કરૂણ અને બિહામણી સ્થિતિ છે. ગઈકાલે સવારે 4.07 કલાકે આવેલા 7.8 બાદ 7.6 અને અંતે 6.00ની તીવ્રતાના ભૂકંપમાં હજુ 24 કલાક બાદ બચાવકાર્ય ચાલુ છે. અને હજું પણ ભૂકંપના આફટરશોક શોક ચાલુ જ છે. સીરીયા અને તુર્કીમાં મોતનો આંકડો સતત ઉંચો આવી રહ્યો છે. તુર્કીના 14 પ્રાંતમાં આ ભૂકંપની ભયાનક અસર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને ભૂકંપગ્રસ્તોની મદદે પહોંચી જવા અપીલ કરી છે.
તુર્કી તથા સીરીયાએ 4300-4500 મોતનો ભય દર્શાવ્યો છે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ દાવો કર્યો કે બન્ને દેશમાં જે તબાહી છે તેનાથી મૃત્યુઆંક 20000થી વધુ હોઈ શકે છે.
ભારતની એનડીઆરએફની બે ટીમો રાહત-બચાવ કામગીરી ઉપરાંત કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે ખાસ તાલીમબદ્ધ શ્વાન અને ખાસ સાધનો સાથે પહોંચી ગઈ છે તો તબીબોની એક ટીમ પણ દવાઓ સાથે તુર્કી પહોંચી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી તમામ સહાયની ખાતરી આપી છે તથા અમેરિકી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ સાધનો સાથે પહોંચી ગઈ છે. બન્ને દેશો હજારો ઈમારત કાટમાળ બની છે જેમાં હજુ લોકો દબાયેલા હોવાનું મનાય છે.
ભૂકંપનો ફાયદો ઉઠાવી 20 ખુંખાર ત્રાસવાદીઓ જેલમાંથી ફરાર
તુર્કીની સીરીયાઈ સીમા પાસે આવેલી રાજો જેલમાં પણ ભૂકંપની સર્જાયેલી અફડાતફડીનો લાભ ઉઠાવી 20થી વધુ ખુંખાર ત્રાસવાદીઓ નાસી છુટવા હોવાના ખબર છે. જેમની કેટલીક દિવાલો તૂટી પડતા કેદીઓએ તુર્ત જ જેલ પર કબજો જમાવી દીધો હતો તથા એક ખાસ અલગ સ્થળે રખાયેલા આઈએસ સંગઠન સહિતના 20 ખુંખાર ત્રાસવાદીઓ નાસી છુટયા છે. તેઓને સિકયોરીટી ગાર્ડના હથિયારો પણ સાથે લેતા ગયો હતો.