કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને લઈને ચોંકાવનારુ નિવેદન કર્યું છે કે તે ધાર્મિક નેતા નથી પણ એક મામુલી ઠગ છે. ભાજપ જે કરી રહી છે તે ધર્મ નહીં અધર્મ છે. રાહુલે સામાજીક સંગઠનોના ‘ભાજપ જોડો અભિયાન’ કાર્યક્રમમાં ઉપરોક્ત વિવાદી ટીપ્પણી કરી હતી.
રાહુલે સીએમ યોગી પર પ્રહાર કરતા કહ્યું હતું કે સીએમ યોગીને જો હિન્દુ ધર્મ સમજમાં આવતું હોય તો તે જે કરે છે તે કરે નહી. તે પોતાના મઠનું અપમાન કરે છે. તે ધાર્મિક નેતા નથી, એક મામુલી ઠગ છે, કાર્યક્રમમાં હાજર એક મહિલાએ તેને સવાલ કર્યો હતો કે ઉતરપ્રદેશમાં જે ‘ધર્મની આંધી’ ચાલી રહી છે, આ સ્થિતિમાં કોંગ્રેસ શું કરશે? જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે ઉતરપ્રદેશમાં ધર્મની આંધી છે, પણ આ ધર્મ નથી. મેં ઈસ્લામના બારામાં, ઈસાઈ ધર્મના બારામાં અને યહુદી અને બૌદ્ધ ધર્મના બારામાં વાંચ્યું છે. હિન્દુ ધર્મને તો હું સમજુ છું- કોઈ ધર્મ નથી કહેતો કે નફરત ફેલાવો. ઉતરપ્રદેશમાં ભાજપ જે કરી રહી છે તે ધર્મ નહીં, અધર્મ છે. તેમણે કહ્યું હતું કે જેવી વ્યક્તિ તપસ્યા કરવાનું બંધ કરી દે તો તેના માટે ભ્રમની સ્થિતિ પેદા થઈ જાય છે. કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી છે જયારે ભાજપ અને આરએસએસ તેનાથી વિપરીત છે.