મહુવા તાલુકાના નેસવડ ગામમાં રહેતા યુવાને અગાઉ થયેલ મારામારીના કેસમાં સમાધાન કરવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે લોખંડ પેચિયા વડે હુમલો કરી ઢેકાપાટુનો માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાના નેસવડ ગામમાં આવેલ મેગાસીટી બિલ્ડિંગમાં રહેતા શ્રમજીવી યુવાન કમલેશભાઈ કિશોરભાઈ ચાવડા ( ઉં.વ. ૨૨ ) ને ગામમાં રહેતા હર્ષ અજયભાઈ ચાવડા સાથે એક વર્ષ પહેલા મારામારી થઈ હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલુ હોય ગઈકાલે હર્ષ ચાવડાએ તેને કોર્ટ કેસ પાછો ખેંચી લેવાનું કહેતા કમલેશભાઈએ કેસ પાછો ખેંચી લેવાની ના પાડી હતી.આ બાબતથી ઉશ્કેરાઈ ગયેલા હર્ષ ચાવડાએ લોખંડના પેચિયાના ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારતા ઇજાગ્રસ્ત કમલેશભાઈને સારવાર અર્થે મહુવાની હનુમાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે કમલેશભાઈએ હર્ષ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.