બેન્ક સહિતની નાણાકીય સંસ્થાઓ તેના લોન ધારકોના વિલંબથી હપ્તા કે ધિરાણની રકમના ચૂકવણા આપવા હપ્તાનો ચેક રીટર્ન થવા સહિતના સમયે જે ભારેખમ દંડ તથા અન્ય ચાર્જ વસુલ કરે છે તેના પર હવે રીઝર્વ બેન્ક લગામ કસવા જઈ રહી છે. રીઝર્વ બેન્ક તમામ નાણાકીય સંસ્થાઓને તેના ધિરાણ-લેનાર ગ્રાહકો પાસેથી વસુલાતા ચાર્જને વાજબી તથા પારદર્શક રાખવાની તાકીદ કરતા જણાવ્યું કે આ પ્રકારના ચાર્જ એ બેન્કો માટે આવકનું સાધન બનવું જોઈએ નહી.
બેન્કો ખાતેદારોને મીનીમમ બેલેન્સ તથા અન્ય રીતે ધરખમ ચાર્જ વસુલે છે અને તેમાં ખાસ કરીને ધિરાણ લેનાર પર જો હપ્તો ભરવામાં કે લોન-રીપેમેન્ટમાં ચૂકી જાય કે વિલંબ થાય તો તેના પર દંડાત્મક વ્યાજ તથા અન્ય ચાર્જ વસુલે છે અનેક વખત આ પ્રકારના ઉપરાંત કાનુની ચાર્જ, નોટીસ ચાર્જ પણ બેન્કો વસુલે છે.
રીઝર્વ બેન્કે એક તાકીદમાં આ પ્રકારના દંડાત્મક ચાર્જને ધિરાણ લેનારના ખાતામાં અલગથી દર્શાવવા તથા તેને મૂળ બાકી રકમ સાથે નહી ભેળવવા માટે તાકીદ કરી છે. બેન્કો લોન લેનારના ખાતામાં દંડાત્મક ચાર્જ મુળ બાકી રકમ (પ્રિન્સીપલ એડવાન્સ)માં ઉમેરી તેના પર પણ વ્યાજ વસુલે છે જે પદ્ધતિને રીઝર્વ બેન્કે ખોટી ગણાવી અને હવે દંડાત્મક ચાર્જ અલગથી દર્શાવીને તે વસુલવાના રહેશે. રીઝર્વ બેન્ક ટુંક સમયમાં જ આ અંગે એક વિસ્તૃત માર્ગરેખા રજુ કરશે. હાલ બેન્કો અન્ય નોનબેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ સહિતની નાણાકીય સંસ્થાઓને તેના લોન ધારકો પાસેથી દંડનીય વ્યાજ કે અન્ય ચાર્જ વસુલવા પર કોઈ નિયંત્રણ નથી અને બેન્કો તથા અન્ય ધિરાણ સંસ્થાઓ તેનો ગેરલાભ ઉઠાવી ધિરાણ લેનારના ખાતામાં અનેક પ્રકારના વધારાના ચાર્જ વિ. વસુલે છે.
બેન્કો દંડાત્મક વ્યાજ વિ. તેના વ્યાજદર પર વસુલે છે અને તે મુળ બાકી રકમ સાથે ભેળવે છે. ઉપરાંત નોટીસ ચાર્જ વિ. પણ મૂળ બાકી રકમમાં ઉમેરે છે અને તેની ગ્રાહકને તેના પર પણ ઉંચો વ્યાજદર ભરવો પડે છે. રીઝર્વ બેન્કે આ પ્રકારના દંડાત્મક ચાર્જ વાજબી કરવા અને તે મૂળ બાકી રકમમાં નહી ઉમેરવા આદેશ આપ્યો છે અને આ પ્રકારના ચાર્જ ખાસ કરીને નોનબેન્કીંગ ફાયનાન્સ કંપનીઓની એક તગડી આવક પણ બની જાય છે.