ગત જુલાઈ 2022ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સૌપ્રથમ વખત ગુજરાતમાં ઈ એફઆઈઆરનો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક પણ રાજ્યમાં આ પ્રકારનો કોન્સેપ્ટ જોવાયો નથી. ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રકારનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાહન ચોરી – મોબાઈલ ચોરી મામલે ઈ એફઆઇઆર ગણતરીની મિનિટોમાં દાખલ થઈ જાય અને લોકોને ત્વરિત રીતે ન્યાય મળે તે આ ઈ એફ આઈ આરનો હેતુ છે.
ઇ-એફઆઇઆરને લઈને સમગ્ર રાજ્યમાં અંદાજે 20,000 જેટલા પોલીસ કર્મચારીઓને કામે લગાડાયા છે. એટલું જ નહીં એક વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે જે આ મુદ્દે કામ કરશે. છેલ્લા છ મહિનામાં અંદાજે 1763 જેટલી – એફઆઈઆર સમગ્ર ગુજરાતમાં નોંધાઇ છે. જોકે આ તમામમાં સુરત શહેરે મેદાન માર્યું છે. સૌથી વધુ ગુનાખોરી ધરાવતું – સૌથી વધુ ઇ એફઆઇઆર નોંધાઈ હોય તેવું શહેર સુરત બન્યું છે.
ત્યારબાદ અનુક્રમે અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા ,ખેડા અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ પાંચ મેટ્રોપોલિટન સિટીમાં વધુ વસ્તીને લઇને ગુનાખોરીનું પ્રમાણ કદાચ વધારે હોય તે સમજી શકાય -પરંતુ, આશ્ચર્યજનક રીતે મહેસાણા પણ ગુનાખોરીમાં પ્રથમ હરોળમાં આવ્યું છે. સૌથી વધુ ગુનાઓ વાહન ચોરી મામલે નોંધાયા છે. એટલે કે સૌથી વધુ ઈ એફઆઇઆર વાહન ચોરી મામલે નોંધાઇ છે. સુરત, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા અને ખેડામાં રાજ્યની સૌથી વધુ ઇ એફઆઇઆર નોંધાઇ છે.
લો એન્ડ ઓર્ડર વિભાગના વડા નરસિમ્હા કોમરએ પણ કબૂલાત કરી હતી કે, કેટલાક પોલીસ કર્મચારીઓ જાણી જોઈને સમય મર્યાદામાં નિવેદન નહીં લઈને ઇ – એફઆઇઆર કેન્સલ થઈ જાય તેવા પ્રયત્નો કરતા જોવાયા છે. ઇ એફઆઇઆરના નિયમ અનુસાર જો સમય મર્યાદાની અંદર નિવેદન ન નોંધાય તો તે ઈ એફ આઈ આર આપો આપ કેન્સલ થઈ જાય છે.