શહેરીજનોની સુખાકારી માટે મહાપાલિકા પર ઘણીબધી જવાબદારી રહેલી છે. પરંતુ ભાવનગરમાં કોર્પોરેશન એટલે માત્ર કર ઉઘરાવવા પુરતું જ તેવો અર્થ થઇ રહ્યો છે. ત્યારે મ્યુ. કમિશનરે છેલ્લા દોઢ મહિનાથી મુહિમ ચલાવી કોર્પોરેશનના જુદા જુદા વિભાગોને સક્રિય કરી અને લોક સુખાકારી માટે ફીલ્ડમાં ઉતાર્યાં છે. બીજી બાજુ શહેરમાં દબાણકર્તા તત્વોને પણ માપમાં રાખવાનું અભિયાન ઉપાડ્યું છે જેના પગલે નગરજનોમાં મહાપાલિકા તંત્રની મુક્તમને પ્રસંશા થઇ રહી છે. મ્યુ. તંત્રની નબળાઇના કારણે પોતાની જ મિલ્કતો સલામત નથી રહી પરંતુ હવે મહાપાલિકાએ ખોખારો ખાધો છે અને તબક્કાવાર કાર્યવાહીઓ આગળ ધપાવી છે. શુક્રવારે નવાપરામાં કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદે પેશકદમી કરી પાર્ક કરાયેલા ૧૯ વાહનોને લોક કરી મહાપાલિકાએ દંડ વસુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે અગાઉ ક્યારેય કાર્યવાહી થઇ નથી.
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રસ્તા પરના દબાણો હટાવવાની સાથે હવે કોર્પોરેશનની જમીનમાં કબજા કરી ગેરકાયદેસર રીતે રાખતા વાહનો પર પણ તીર તાક્યું છે. થોડા દિવસ પહેલા ત્રણ બસ અને એક પીકઅપ વાનને દંડ ફટકાર્યો હતો ત્યારે નવાપરા ઈદગા મસ્જિદ પાસે કોર્પોરેશનના પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી વાહનોનું પા‹કગ બની જતા આજે ૧૯ વાહનોને લોક મારી દીધા હતા.
શહેરમાં રસ્તા પરના ગેરકાયદેસર દબાણો સાથે હવે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કોર્પોરેશનની જમીનમાં થયેલા દબાણો સામે પણ નજર માંડી છે. નવાપરામાં શિક્ષણ સમિતિની શાળા સામે ઇદગા મસ્જિદ પાસે કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં વર્ષોથી કબજા જમાવી ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા.
આથી એસ્ટેટ વિભાગ દ્વારા અન અધિકૃત રીતે પાર્ક કરેલા ૨ આઇસર,૧ બોલેરો પીક અપ, ૫ કાર, ૯ રીક્ષા અને ૨ રેકડોને લોક મારવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ વાહનોનો ૧૨૦૦૦ દંડ વસૂલ કર્યો હતો. તદુપરાંત ક્રેસન્ટ સર્કલ પાસેથી કેબિન અને ત્રણ કાઉન્ટર જપ્ત કર્યા હતા. કરચલીયા પરા મામાના ઓટલા થી તેમજ અધેવાડાથી અસ્થાયી પ્રકારના દબાણો દૂર કર્યા હતા.
કોર્પોરેશને કમિશનર એન.એ. ગાંધીના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૯માં ૧૦ વ્હીકલ લોક ખરીદ્યા હતાં તે સમયે શહેરમાં ચાલતા મોટા વાહનોનો કર વસુલવા આ લોકનો ઉપયોગ પ્રારંભિક તબક્કે થયો હતો. જા કે, બાદમાં એ અભિયાનનું પડીકુ વળી ગયુ હતું પરંતુ મહાપાલિકા પાસે લોક સચવાયેલા પડ્યા હતા આથી એસ્ટેટ વિભાગે ધુળ ખંખેરી વ્હીકલ લોકનો આખરે ૩ વર્ષે પણ ઉપયોગ શરૂ કર્યો છે અને કામગીરી અસરકારક નિવડી રહી છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ હજુ વધુ ૪૦ વ્હીકલ લોક ખરીદીને મહાપાલિકા દ્વારા આ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે.