ભાવનગર મહાપાલિકાની સ્થાપના ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ થઈ હતી. કાલે ૧૪ ફેબ્રુઆરીને મંગળવારે ભાવનગર મહાનગરપાલિકાનો સ્થાપના દિવસ છે. ભાવનગર મહાપાલિકાની કચેરીએ રાજકીય દાવપેચ વચ્ચે ૪૦ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૪૧ વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૪૦ વર્ષની સફરમાં રમણીકભાઇ પંડ્યાથી લઈ વર્તમાન મેયર કીર્તિબેન દાણીધરીયા મળી ૩૧ મેયર અને ૧૦ વહીવટદાર એ ધુરા સંભાળી છે. રમણીકભાઇ પંડ્યા અને નીમુબેન બાંભણીયા આ બે ચહેરાઓ મેયર પદે બે-બે વખત રહ્યા છે, જયારે ૩૧ માંથી ૫ વખત મહિલા મેયર રહ્યા છે. તો ૩૪ કમિશનરે વહીવટી પાંખની ધુરા સંભાળી છે, તાજેતરના વર્ષમાં પ્રદીપ શર્મા અને હાલના કમિશનર એન વી. ઉપાધ્યાયનો કાર્યકાળ જરા હટકે કામગીરી માટે યાદગાર છે!
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષો પૂર્વે ભાવનગર રાજ્ય તરીકે ઓળખાતુ હતુ અને ત્યારબાદ ઈ.સ. ૧૮૭૨ની ૬ એપ્રિલથી ભાવનગર નગરપાલિકાની સ્થાપના થઈ હતી. સને ૧૯૬૩થી પંચાયતીરાજ અમલમાં આવ્યુ તે પહેલા ભાવનગર જિલ્લામાં ભાવનગર, બોટાદ, ગઢડા, ગારિયાધાર, સાવરકુંડલા, મહુવા, પાલિતાણા, પાળીયાદ, સિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર એમ કુલ ૧૨ નગરપાલિકાઓ અસ્તિત્વમાં હતી. ત્યારબાદ રાજ્ય સરકારે ૧૦ હજારથી નીચેની વસતિ હોય ત્યાં ગ્રામ પંચાયત અને ૧૦ હજારથી ૩૦ હજાર વસતિ ધરાવનાર શહેરમાં નગરપંચાયતની રચના કરવાની ભલામણનો સ્વિકાર કર્યો હતો તેથી જિલ્લામાં નગરપાલિકાની સંખ્યા ૧૨થી ઘટીને પ થઈ હતી, જેમાં ભાવનગર, બોટાદ, મહુવા, પાલિતાણા અને સાવરકુંડલા વગેરેનો સમાવેશ થતો હતો.
પાંચ નગરપાલિકામાંથી એક માત્ર ભાવનગરને મહાનગરપાલિકાનો દરજ્જાે મળ્યો હતો, જયારે અન્ય ચાર નગરપાલિકાને હજુ સુધી મહાપાલિકાનો દરજ્જાે આપવામાં આવ્યો નથી. ભાવનગર મહાપાલિકા બન્યા બાદ રાજ્ય સરકારે ૫૧ ચૂંટણી વગર અઢી વર્ષ માટે ૫૧ સભ્યોની નિમણુંક કરી હતી, જેમાં રમણીકભાઈ પંડયા, રણુભાઈ રાઠોડ, સાજણભાઈ બુધેલીયા, મહીપતસિંહ ગોહિલ સહિતના નગરસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાપાલિકામાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે શાસન કર્યુ છે, જેમાં રજવાડા સમયે ભાવનગરનો વિકાસ થયો છે તેવો વિકાસ હજુ સુધી જાેવા મળતો નથી તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
કોંગ્રેસ-ભાજપના શાસનમાં કેટલોક વિકાસ થયો છે પરંતુ હજુ ઘણો વિકાસ બાકી છે ત્યારે હવે ઝડપી વિકાસ થાય તેમ ભાવનગર મહાપાલિકાના સ્થાપના દિવસે લોકો ઈચ્છી રહ્યા છે.
પ્રથમ મેયર રમણીક પંડયા અને સ્ટેન્ડીંગ ચેરમેન મહીપતસિંહ ગોહિલ હતા
ભાવનગર મહાનગર પાલિકાની સ્થાપના થઈ ત્યારે નોમીનેટ સભ્યોએ પ્રથમ મેયર તરીકે રમણીકભાઈ પંડયાની નિમણુંક કરી હતી અને સ્ટેન્ડીંગ ચેરમેન પદે મહીપતસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી. કારોબારીમાં સાજણભાઈ બુધેલીયા, રણુભાઈ રાઠોડ સહિતના સભ્યો હતાં. મહાપાલિકાના પ્રથમ કમિશ્નર જાેષી હતાં. ભાવનગર મહાપાલિકાના પ્રથમ મહિલા મેયર વિભાવરીબેન દવે બન્યા હતાં.
હીરાની જકાત રદ કરી હતી
વર્ષો પૂર્વે હીરા પર જકાત લેવામાં આવી હતી પરંતુ હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે હીરાની જકાત રદ કરાવવામાં આવી હતી હાલ પણ હીરા ઉદ્યોગને મૂશ્કેલી છે પરંતુ કોઈ પગલા લેવામાં આવતા નથી. જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની વાત હથેળીમાં ચાંદ સાબીત થઈ છે.
બચત માટે એમ્બેસેડર કારનુ ડીઝલ એન્જીન નાખ્યુ હતુ, હાલ બેફામ ખર્ચા
ભાવનગર નગરપાલિકાના પ્રમુખ પાસે જે એમ્બેસેડર મોટરકાર હતી તે ત્યારબાદ ભાવનગર મહાપાલિકાના પ્રથમ મેયર રમણીકભાઈ પંડયાને આપવામાં આવી હતી. એમ્બેસેડરમાં પેટ્રોલ એન્જીન હતુ તેથી ખર્ચ વધુ થતો હતો. ખર્ચની બચત માટે ડીઝલ એન્જીન ફીટ કરાવ્યુ હતું. હાલ મેયર બદલાય એટલે ગાડીઓ બદલાય જાય છે.!!