મીડિયા સંસ્થા BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરાના દરોડા પડ્યા હોવાનું સમાચાર સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. લંડન સ્થિત બીબીસી ઓફિસમાં દરોડાની કાર્યવાહીની માહિતી આપવામાં આવી છે.
ઈન્કમ ટેક્સના સૂત્રોએ જણાવ્યું કે, આ ઈન્કમટેક્સ ટીમનો સર્વે છે. જો કે હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, પહેલા બીબીસી ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હવે ITએ BBC પર દરોડા પાડ્યા છે. અઘોષિત કટોકટી. તાજેતરમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટરી આવી હતી. આ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રચાર ગણાવીને સ્ક્રીનીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વિપક્ષ આવકવેરા વિભાગના દરોડાને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.