તાજેતરમાં જ સુરતના કતારગામમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિકુંજ પટેલ નામના યુવકે તેની એક તરફી પ્રેમની એક્ટિવાની અંદર GPS લગાવી દીધું હતું. GPSના માધ્યમથી તે યુવતીનો પીછો કરતો અને ધાક ધમકીઓ આપતો હતો. યુવતીને અવાર નવાર સંબંધ બનાવવા માટે કહેતો હતો તેમજ મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.
નિકુંજ પટેલ નામનો યુવક ઈન્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને મળ્યો હતો. વાત વાતમાં તે પોતાના ઝાંસામાં ફસાવીને યુવતીને મળવા માટે બોલાવતો હતો. યુવક યુવતીને પ્રેમ સંબંધ બાંધવાનું કહેતો, જો સંબંધ નહીં બનાવે તો મારી નાંખવાની પણ ધમકીઓ આપતો હતો. મોકાનો ફાયદો ઉઠાવીને યુવકે યુવતીની એક્ટિવામાં GPS સિસ્ટમ લગાવી દીધી, જે ટ્રેક કરીને તે યુવતીનો પીછો કરતો હતો અને હેરાન કરતો હતો. GPS ની પોલ ત્યારે ખુલી કે જ્યારે યુવતી પોતાની એક્ટિવાને સર્વિસ કરાવવા મિકેનિક પાસે ગઈ હતી. મિકેનિકે GPSની જાણ થતા યુવતીને જણાવ્યું હતું. જે બાદ યુવતીએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસને કડકાઈથી જોતા નિકુંજ પટેલ સામે ગુનો નોંધી તેને પકડવાની તજવીજ શરૂ કરી દીધી છે.