ત્રિપુરા વિધાનસભાની મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ગીતે કિરણકુમાર દિનકરરાવે આ માહિતી આપી. તેમણે કહ્યું કે કડક સુરક્ષા વચ્ચે ગુરુવારે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 3337 મતદાન મથકો પર મતદાન થશે. તેમાંથી 1100 કેન્દ્રોને સંવેદનશીલ અને 28 જોખમી તરીકે ઓળખવામાં આવ્યા છે. મતગણતરી 2 માર્ચે થશે.
ત્રિપુરામાં(Tripura) ચૂંટણીની હરીફાઈ મુખ્યત્વે BJP-IPFT ગઠબંધન, CPI(M)-કોંગ્રેસ ગઠબંધન અને ટીપ્રા મોથા પાર્ટી વચ્ચે છે. ટીપ્રા મોથા એ રાજ્યના ભૂતપૂર્વ રાજવંશના વંશજો દ્વારા રચાયેલી સ્થાનિક પાર્ટી છે. સીઈઓએ માહિતી આપી હતી કે 31,000 થી વધુ મતદાન કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના 25,000 સુરક્ષા કર્મચારીઓ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે હાથ ધરવા માટે તૈયાર છે. આ ઉપરાંત રાજ્ય સશસ્ત્ર પોલીસ દળ અને રાજ્ય પોલીસ દળના 31 હજાર જવાનોને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.રાજ્યમાં કુલ 28.13 લાખ મતદારો છે, જેમાંથી 13.53 લાખ મહિલાઓ છે, જે 259 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ઉમેદવારોમાં 20 મહિલાઓ છે.