ભાવનગર શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો, નિયમભંગ કરતા લારી – ગલ્લા ધારકો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી હટાવવાનું અભિયાન શરૂ કરનાર કમિશનર ઉપાધ્યાયની ભાવનગરમાંથી બદલી કરાવવા માટે કેટલાક તત્વોની ગેંગ સક્રિય થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેની સામે ભાવનગરમાંથી કમિશનરની બદલી કરાવવાનો મનસુબો ધરાવનાર તત્વોને તેમની ઔકાદ બતાવવા સહિતના મેસેજ સોશિયલ મિડિયા પર ફરતા થયા છે અને રીતસર અભિયાન હાથ ધરાયું હોય તેવો માહોલ છે.
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એકાદ મહિનાથી મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાય દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવા અભિયાન શરૂ કર્યું છે. અને મોટાભાગના વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રસ્તે રખડતા ઢોરને પણ ડબ્બે પુરવાનુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને અસંખ્ય ઢોરને ડબ્બે પુરવામાં આવ્યા છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. અને જાહેરમાં કે કોમ્પલેક્ષોમાં કચરો ફેકનાર અને ગંદકી ફેલાવનાર સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના કારણે શહેરમાં રસ્તાઓ ખુલ્લા થવા સાથે ગંદકી પણ ઓછી થવા પામી છે અને ઢોરનો ત્રાસ પણ ઓછો થયો છે અને લોકોને રાહત થવા પામેલ છે. ત્યારે ભાવનગરમાં સરાહનીય કામગીરી કરનાર કમિશનર ઉપાધ્યાયની ભાવનગરમાંથી બદલી કરાવવા માટે ગેંગ સક્રિય થઈ હોવાની વાતો વહેતી થઈ છે. તેની સામે ભાવનગરમાં ફરીથી સુખાકારી લાવનાર કમિશનરની બદલી ન થાય અને બદલી કરાવવાનો મનસુબો ધરાવતા સખ્શોને તેમની ઓકાત દેખાડવા સહિતના સોશિયલ મીડિયા પર મેસેજનો મારો થઈ રહ્યો છે. મહાપાલિકા કચેરીમાં પણ આ અંગે કર્મચારીઓમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે ભાવનગર માટે સારું કાર્ય કરી રહેલા કમિશનરની હમણાં બદલી ન થાય.