ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા એકાદ મહિનાથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને શહેરની મુખ્ય બજારો સહિતના ગેર કાયદેસર દબાણો હટાવવા ઉપરાંત દુકાનોના ઓટલાઓ પણ તોડી નાખવામાં આવ્યા હતા. અને રસ્તાઓ ખુલ્લા કરાયા હતા. હવે મહાનગરપાલિકા દ્વારા શહેરની છેવાડાની સોસાયટીઓમાં પણ પહોંચીને ગેરકાયદેસર દબાણ હટાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને સોસાયટીઓના રહીશો દ્વારા બનાવવામાં આવેલ ગેરકાયદેસર ઓટલા, ચોકડી, બાથરૂમ તોડી પાડવા ઉપરાંત ગેરકાયદેસર દુકાનો પણ હટાવવામાં આવી રહી છે આજે શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ સ્નેહમિલન સોસાયટીમાં દબાણ હટાવ કાફલો પહોંચ્યો હતો અને જેસીબી વડે ગેરકાયદેસર ઓટલા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આમ હવે દૂરની સોસાયટીઓમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવાનો પ્રારંભ કરવામાં આવતા દબાણકારોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. (તસવીર : મૌલિક સોની)