સિહોર તાલુકાના બેકડી ગામથી સરકડીયા સુધી ઇનોવા કારનો પીછો કરી સિહોર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ કરતા સિહોરના શખ્સને ઝડપી લઇ ૫૦ પેટી વિદેશી દારૂ,ઇનોવા કાર સહિત રૂ.૭.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ શખ્સ સહિત ૭ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલીતાણા ડીવાયએસપી મિહિર બારીયા અને પાલીતાણા પોલીસ કાફલો તાલુકાના વરલ-ટાણા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડીવાયએસપી મિહિર બારીયાને બાતમી મળી હતી કે, ટાણાથી બેકડીના પાટિયા તરફ જવાના રોડ પર એક સિલ્વર કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂના જથ્થોની હેરફેર થાય છે. જે બાતમીના આધારે પોલીસે બેકડીના પાટીયા પાસે વોચમાં રહીને બતમીવાળી ઈનોવા કારને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા ચાલકે કારને સરકડીયા ગામ તરફ હંકારી મૂકી હતી,આથી પોલીસે કારનો પીછો કરી સરકડીયા ગામના પાદરમાં કારને ઉભી રખાવી હતી અને કારની તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૬૭૦ બોટલ ( ૫૦ પેટી ) કિં. રૂ. ૨,૩૨,૨૦૦ મળી આવી હતી.
સિહોર પોલીસે કારના ચાલક રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર સિહોર રહે. ખારાકુવા, જુના સિહોર વાળાને પકડી વિદેશી દારૂ,કાર, એક મોબાઈલ, જી.પી.એસ.ટ્રેકર મળી કુલ રૂ. ૭,૪૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા તેણે શિહોરમાં રહેતા વિરેન્દ્રસિંહ પિન્ટુ ર્નિમળસિંહ ગોહિલ તથા ઘનશ્યામ ઉર્ફે જી.ડી. દેહુરભાઈ બુધેલીયાએ જણાવેલ કે રતનપર ગામના દીપક માધાભાઈ કોળી તેની ગાડીમાં દારૂનો જથ્થો ભરીને મોકલશે જે દારૂનો જથ્થો સૂચના મળે ત્યાં પહોંચાડવાનો હોવાનું જણાવતા સિહોર પોલીસે મજકુર ઈસમ ઉપરાંત વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ ર્નિમલસિંહ ગોહિલ,ઘનશ્યામ ઉર્ફે જી.ડી.દેહુરભાઈ બુધેલીયા,દિપક માધાભાઈ કોળી,ઘનશ્યામ બોધાભાઈ કોળી અને અન્ય બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.






