આવતીકાલે તા.૧૮ને શનિવારે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. સાથોસાથ શનિ પ્રદોષ અને શ્રવણ નક્ષત્રનો પણ સંયોગ ભળ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર ગોહિલવાડના શિવાલયો આવતીકાલે સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે શિવાલયોને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે. સવારથી જ ભાંગ સહિતના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. શહેરના નારેશ્વર, ભીડભંજન, તખ્તેશ્વર, થાપનાથ, ભગવાનેશ્વર, મહાકાલેશ્વર સહિતના મંદિરોમાં સવારથી જ ભાવિકોની ભીડ પૂજન અને દર્શન અર્થે ઉમટી પડશે.આ ઉપરાંત માળનાથ મહાદેવના મંદિરમાં પણ મહાશિવરાત્રીની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. જ્યારે શિવરાત્રિ નિમિત્તે શહેરના ભરતનગર યોગેશ્વરનગર ખાતે ૧૪મી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ શિવાલયોમાં મહાઆરતી, મહાપ્રસાદ, શિવપૂજા, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
શિવાલયોમાં પૂજા, શણગાર, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, સાંજે ૫.૪૨થી શ્રવણ નક્ષત્ર ઉત્તમ કાલે શનિવારે શિવરાત્રી છે. આ વખતે શનિ પ્રદોષ તથા શ્રવણ નક્ષત્રનો સંયોગ છે. શિવરાત્રીએ રાત્રિના ચાર પ્રહરની પૂજા કરવી ઉત્તમ છે. શહેરના વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમ, શિવજીને વિશેષ શણગાર કરવામાં આવશે. વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જાેશીના જણાવ્યાનુસાર શિવપૂજામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા આવી જાય છે. સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી, ધનની પ્રાપ્તિ માટે બીલીપત્રથી, આયુષ્ય વધારવા દુર્વાથી, રાજયોગ માટે સર્વમનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળા તલ, સુખી દાંપત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબિટીસ જેવી બીમારી દૂર ઓછી કરવા શેરડીના રસથી પૂજા કરવી જાેઈએ. નિશિથ કાળ રાત્રે ૧૨.૩૭ થી ૧.૨૫ સુધી છે. આ સમયે પૂજા કરવી ઉત્તમ છે.