ભાવનગર રેલ ડિવીઝનમાં ધોળા જંક્શન યાર્ડ ખાતે રવિવારે સાંજે માલગાડી પાટા પરથી ઉતરી જવાની બનેલી ઘટનાના પગલે આજે બીજા દિવસે પણ રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો છે. મુંબઇથી ભાવનગર આવવા નીકળેલી બાંદ્રા એક્સપ્રેસ આજે બે કલાક મોડી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આ ઘટના બાદ ભાવનગરથી ચાલનારી બાંદ્રા તેમજ અન્ય લોકલ ટ્રેનો પણ સરેરાશ ત્રણ કલાક મોડી ઉપડી શકી હતી તો આજે ભાવનગરથી મહુવા-બોટાદ અને જેતલસરની ટ્રેન સેવા સંપૂર્ણ રદ્દ કરવામાં આવી હતી.
ધોળા જંક્શન પાસે માલગાડીના ડબ્બાઓ ખડી પડતા રવિવારે ૭ ટ્રેન પ્રભાવિત થઇ હતી. આ કારણે ભાવનગરથી સાંજે ૬.૩૦ કલાકે ચાલતી બાંદ્રા એક્સપ્રેસને ૩ કલાકના વિલંબ સાથે રાત્રે ૮.૪૫ કલાકે ચલાવાઇ હતી. આ કારણે યાત્રીકો પરેશાન થઇ ઉઠ્યા હતાં તો મહુવાથી ભાવનગર આવવા નીકળેલી ટ્રેનને લીલીયા મોટા ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવાઇ હતી જેના કારણે યાત્રીઓ પોતાના નિયત સ્થળે પહોંચી શક્યા ન હતા અને રસ્તામાં જ રઝળી પડ્યા હતાં. આ બનાવના કલાકો બાદ પણ રેલ તંત્ર દ્વારા ઘટના અંગે કોઇ ચોક્કસ કારણ રજૂ કરાયું નથી તેમજ ઉચ્ચ અધિકારીઓએ રાબેતા મુજબ મીડિયાથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું. માત્ર વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર યાદીઓ જાહેર કરતું રહ્યું હતું પરંતુ ટેલિફોનીક સંપર્કમાં મીડિયાથી મોં છુપાવતા રહ્યા હતાં.
ગઇકાલની ઘટના બાદ તંત્રના દાવા મુજબ તાબડતોબ સ્થળ પર દોડી જઇ રેલ વ્યવહાર પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરાઇ હતી પરંતુ હકિકત એ છે કે આજે બીજા દિવસે પણ ભાવનગરથી મહુવા-બોટાદ અને જેતલસરનો રેલ વ્યવહાર પૂર્વવત થઇ શક્યો નથી. આ ત્રણેય રૂટની આવા-ગમનની ટ્રેનો સંપૂર્ણ રદ્દ કરાઇ હતી. એકમાત્ર સુરેન્દ્રનગર માટે ટ્રેન ચાલી હતી. જ્યારે મુંબઇથી આવી રહેલી બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન પણ બે કલાક મોડી આવી હતી.