ગોધરાકાંડના 11 દોષિતોને ફાંસીની સજા થાય તેવા પ્રયાસો કરવાનુ ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું. સુપ્રીમકોર્ટમાં ગુજરાત સરકાર તરફથી પેશ થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 59 લોકોને જીવતા સળગાવવાનો બનાવ ‘રેરેસ્ટ ઓફ રેર’ છે અને તેમાં દોષિતોને ફાંસીની સજા થાય તે માટે ગંભીર પ્રયાસો કરાશે.
આ કેસમાં 11 આરોપીને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી ત્યારબાદ સજા હળવી કરીને જન્મટીપમાં ફેરવી નાખી હતી. સુપ્રીમ કોર્ટમાં આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી તેની સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટીસ પી.એસ.નરસિમ્હા તથા જસ્ટીસ જે.બી.પારડીવાલાની બેંચે વધુ સુનાવણી માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો અને આ દરમ્યાન બન્ને પક્ષોના વકિલોને આરોપીઓએ જેલમાં ગાળેલા દિવસો તથા સજાનો સમય સહિતની વિગતો સાથેનો ચાર્ટ રજુ કરવા સૂચવ્યુ હતું.
સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બાળકો-મહિલાઓ સક્રીય 59 લોકોના આ કેસમાં જીવ ગયા હતા. આરોપીઓએ ટ્રેનના ડબ્બાને બહારથી બંધ કરીને તેમાં આગ ચાંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાયલકોર્ટે 11 આરોપીને ફાંસી તથા અન્ય 20ને જન્મટીપની સજા ફટકારી હતી તે સામે હાઈકોર્ટમાં અપીલ થતા વડી અદાલતે 11ની ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવી નાખી હતી તે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે બે આરોપીને જામીન પર છોડયા હતા જયારે અન્ય સાતની જામીન અરજી પેન્ડીંગ છે.