યુએસ પ્રમુખ જો બિડેન 20 ફેબ્રુઆરી યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે. તેણે યુક્રેનની રાજધાની કિવની અચાનક મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા છે. બિડેન કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળ્યા હતા. અહેવાલ મુજબ, જો બિડેને કિવની મુલાકાત દરમિયાન યુક્રેનને $500 મિલિયનની લશ્કરી સહાયની જાહેરાત કરી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારબાદ બંને વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પ્રથમ વખત કિવની મુલાકાતે આવ્યા છે. બિડેનના આ પ્રવાસે સમગ્ર વિશ્વને ચોકાવ્યા છે. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી 21 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીની તેમની મુલાકાત દરમિયાન બિડેનને મળ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની યુક્રેનની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકા યુક્રેનને આધુનિક હથિયારો, મિસાઈલ અને સાધનો દ્વારા સતત સૈન્ય મદદ કરી રહ્યું છે. જો બિડેને અનેક અવસરો પર જાહેરાત કરી છે કે તેઓ દરેક કિંમતે યુક્રેનની સાથે ઉભા રહેશે. હાલમાં બિડેનની કિવ મુલાકાતને કારણે યુક્રેનનો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે. 500 મિલિયન ડોલરની વધારાની સૈન્ય સહાયની જાહેરાત બાદ યુક્રેનને રશિયા સામેની લડાઈમાં વધુ મદદ મળશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પોલેન્ડ જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા બિડેન 20-22 ફેબ્રુઆરી દરમિયાન પોલેન્ડની મુલાકાત લેશે. જો બિડેન યુક્રેન માટે દ્વિપક્ષીય સહયોગ અને સમર્થન અંગે ચર્ચા કરવા પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે મુલાકાત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ પૂર્વ યુરોપીયન નાટો સહયોગીઓના સમૂહ બુકારેસ્ટ નાઈનના નેતાઓ સાથે પણ વાતચીત કરશે.