તુર્કીયેમાં ‘ઓપરેશન દોસ્ત’માં જોડાયેલી અન્ય સંસ્થાઓની ભારતીય બચાવ ટીમ તેમજ NDRF સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. આ પ્રસંગે એનડીઆરએફના ડીજી અતુલ કરવાલ પણ હાજર હતા. ત્યારે PM મોદીએ જણાવ્યું હતું કે, ‘અમારી ડોગ સ્કવોડના સભ્યોએ અદભૂત તાકાત બતાવી. દેશને તમારી પર ગર્વ છે. આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુમ્બકમ શીખવ્યું છે. આપણે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ. જ્યારે પરિવારનો કોઈ સભ્ય મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવી એ ભારતની ફરજ છે.’
મોદીએ કહ્યું કે, ‘આપણે જ્યાં પણ ત્રિરંગો લઈને પહોંચીએ છીએ ત્યાં આશ્વાસન મળે છે કે હવે ભારતીય ટીમ પહોંચી ગઈ છે, ત્યારે હવે સ્થિતિ સારી થવા લાગશે.’ વધુમાં કહ્યું કે, ‘આપણે બધાએ એ તસવીરો જોઈ છે કે જ્યાં એક માતા લલાટ પર ચુંબન કરીને તમને આશીર્વાદ આપી રહી હતી. 2001માં ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મે પણ સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું અને લોકોને બચાવવામાં પડતી મુશ્કેલીઓ મે જોઈ છે.’