૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, માતૃભાષાની વાત હોય ત્યારે ગઝલનું મક્કા ભાવનગર જરૂર યાદ આવે. ગુજરાતના એક ખૂણે વસેલું આ નાનું નગર ભાવનગર પોતાના નામ મુજબ જ સાહિત્ય પ્રવૃત્તિમાં જે ભાવ સભર કામ કરી રહ્યું છે તેની નોંધ માતૃભાષા દિવસે લેવી રહી. અહીંના રાજવી સાહિત્ય અને કલા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હોય, સ્વ. કવિ ગુણવંત ઉપાધ્યાય ‘સ્કુલ ઓફ ગુજરાતી ગઝલ’ શરૂ કરી તેના માટે ધખના ધરાવતા હોય ત્યારે માતૃભાષા અને સાહિત્ય માટેનો આ શહેરનો ભાવ સહેજે અજાણ્યો નથી.




અહીં ૪૨ વર્ષથી સતત કાર્યરત બુધસભા અને ૩૦ વર્ષથી અવિરત ચાલતી ગદ્યસભા ભાવનગરની સાહિત્ય ઓળખના મોરપીંછ સમા છે તો તેમાં ત્રણ વર્ષથી કવિતા કક્ષ દ્વારા સુંદર છોગું પણ ઉમેરાયું છે. સાહિત્ય પ્રવૃત્તિઓ અનેક શહેરોમાં, ગામોમાં ચાલતી જ હોય છે પરંતુ આવી પ્રવૃત્તિ અવિરત ચાલતી રહે અને નવી ઉમેરાતી રહે તે ભાવનગર વિશેષ ઓવારણાં લેવા જેવી વાત છે.
વધુને વધુ ભાવકોને કવિતાને નજીકથી ઓળખવા -માણવા સાથે ભાષા -સાહિત્યના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને એકેડેમિક લાભ પણ મળી શકે એ માટે કશુંક નોખું કરવાનો પ્રાધ્યાપક -કવિ હિમલ પંડ્યાના વિચાર આવ્યો અને જાણીતા કવિ -સ્વરકાર -ગાયક ડૉ. ફિરદૌસ દેખૈયા સહિત અન્ય આઠ મિત્રોનો સહયોગથી કવિતા કક્ષનો ઉદય થયો.
૧૨ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ભાવનગરમાં આ કવિતાકક્ષની સ્થાપના થઈ અને ટૂંકા ગાળામાં નવતર આયોજનો, યોગ્ય પ્રચાર અને પ્રસાર, અમલીકરણ, સોશ્યલ મીડિયાના વિવેકપૂર્ણ અને અસરકારક વિનિયોગથી ભાવનગર અને ગુજરાતના સીમાડાઓ વટાવીને કવિતા કક્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરી છે. નવોદિત સર્જકો, કવિતાપઠનમાં રસ ધરાવતા લોકો માટે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કર્યું, દિવંગત સર્જકોને શબ્દાંજલિ અર્પતા વિશેષ કાર્યક્રમો પણ આપ્યા. કવિતાકક્ષે પ્રકાશનના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું અને આ પ્રવૃત્તિના સંયોજક કવિ હિમલ પંડ્યાના ગઝલસંગ્રહ “…ત્યારે જિવાય છે” નું પ્રકાશન થયું. આ સંગ્રહને મળેલા પ્રતિસાદ પછી કવિતાકક્ષે ડૉ. જિતુભાઈ વાઢેરના “એક સદીનો પોરો” અને કવયિત્રી હર્ષા દવેના “હરિ! સાંજ ઢળશે” ગઝલસંગ્રહ પણ પ્રકાશિત કર્યા અને બંને ખૂબ આવકાર પામ્યા.
આમ ત્રણ વર્ષમાં ત્રણ કાવ્ય સંગ્રહના પ્રકાશન અને ગરિમાપૂર્ણ કાર્યક્રમો સાથે આ સંસ્થાએ પણ અનોખી ઓળખ બનાવી છે.