ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ પખવાડિયાથી વાતાવરણમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે. અને ઘડીક ઠંડી તો ઘડીક ગરમી પડી રહી છે. એકાદ અઠવાડિયાથી અચાનક તાપમાન વધી જતા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે ભાવનગર શહેરમાં પણ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ઠંડીનો યુ ટર્ન થયો હોય તેમ રાજ્યના મોટા ભાગના શહેરોની સાથે ભાવનગરમાં પણ લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રી જેટલો ધરખમ ઘટાડો થવા પામ્યો હતો જેના કારણે ભાવનગરમા ફરીથી રાત્રીનુ તાપમાન ૧૫.૫ ડિગ્રી થઈ જવા પામ્યુ છે. પરિણામે દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી રૂતુનો અનુભવ થવા પામ્યો હતો.
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટન ડીસ્ટબન્સના કારણે છેલ્લા એકાદ પખવાડિયાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઉતાર ચડાવ થયેલો છે છેલ્લા એકાદ અઠવાડિયાથી મહત્તમ તાપમાનની સાથો સાથ લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યભરના મોટાભાગના શહેરોમાં ફેબ્રુઆરી માસના મધ્યાંતરે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે. અને તાપમાનનો પારો ૩૫ થી ૪૦ ડિગ્રી થવા પામ્યો છે અને લઘુતમ તાપમાન પણ ૧૮ થી ૨૧ ડિગ્રી સુધી મોટાભાગના શહેરોમાં નોંધાઈ રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રિના સમયે અચાનક તાપમાનમાં ફેરફાર થવાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોનુ લઘુત્તમ તાપમાન એક જ રાત્રિમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું ઘટી જવા પામ્યું હતું અને ઠંડીનો યુ ટર્ન થયો હોય તેમ વાતાવરણ ઠંડુ કાર થઈ જવા પામ્યુ હતુ. ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી રહેવા પામ્યુ હતુ જ્યારે લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી ઘટીને ૧૫.૫° રહ્યુ હતુ આમ ભાવનગરમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ૨૦ ડિગ્રી જેટલો મોટો ફેરફાર જાેવા મળ્યો હતો. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો માહોલ અને રાત્રે ઠંડીનો ચમકારો રહેતા લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. જેના કારણે શરદી, ઉધરસ તાવ સહિતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો હોવાનું મનાય રહ્યું છે.