ભાવનગર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્થળોએ પાર્ક કરવામાં આવેલા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરતી પરપ્રાંતીય ગેંગને વરતેજ પોલીસે નારી ગામ નજીકથી ઝડપી લઈ રૂ.૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ભાવનગર ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએથી કરેલ ડીઝલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.વરતેજ પોલીસે ઝબ્બે કરેલા ચાર આરોપી પૈકી બે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રકમાંથી ડીઝલની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હતી અને હાઇવે પર આવેલી હોટલ,પેટ્રોલ પમ્પ સહિતના સ્થળોએ પાર્ક કરવામાં આવેલા ટ્રકની ડીઝલ ટેંકના તાળા તોડી ડીઝલની ચોરી કરતી હતી. ભાવનગર જિલ્લાના વરતેજ, ઘોઘા, તળાજા અલંગ સહિતના પોલીસ મથક વિસ્તારોમાં ૧૫ થી વધુ ટ્રકને નિશાન બનાવી તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો.
દરમિયાન વરતેજ પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નારી ગામ નજીકના દસનાળા પાસે એક શંકાસ્પદ ટ્રક નીકળતા આ ટ્રકને રોકી ટ્રકની તલાશી લેતા તેમાં ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. વરસેજ પોલીસે સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી ચોરી કરેલ ડીઝલના જથ્થા સાથે મધ્યપ્રદેશના વતની આબીદ રફીકભાઈ નાયતાતૈલી, વિનોદ નારાયણસિંહ પરમાર, સાકીર સુકુરભાઈ શેખ અને સંતોષ દેલીલાલ ખેંગારની ધરપકડ કરી ચોરી કરેલ ૨૧૮૦ લિટર ડીઝલ, ચાર બેટરી, ટાટા કંપનીનો ટ્રક રૂ. ૬૬૦૦ રોકડા, ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. ૯,૩૬,૪૪૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ડીઝલ ચોરીમાં ઝડપાયેલા ઇસમોની પૂછપરછ કરતા તેમને કોબડી ટોલનાકા પાસેથી, સીદસર ગામમાં આવેલ એચપી પેટ્રોલ પંપ પાસેના ગ્રાઉન્ડમાંથી, નારી ચોકડી નજીક આવેલ સત્યનારાયણ પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી, અલંગ તાબેના રાજપરા પાસે આવેલ સોમનાથ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ત્રણ ટ્રકમાંથી તેમજ પાંચપીપળાના પાટીયા પાસે આવેલ વેલ્ડીંગની દુકાન નજીક પાર્ક કરેલ ટ્રકમાંથી તેમજ તણસા ગામના મારુતિ નંદન પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી ડીઝલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત આ ટોળકીએ મોરબી વાંકાનેર રોડ, અમદાવાદ ભાવનગર હાઇવે, હળવદ માળીયા હાઇવે, મોરબી સહિતના સ્થળોએથી પણ હોટલ કે પેટ્રોલ પંપ નજીક પાર્ક કરવામાં આવેલ ટ્રકમાંથી ડીઝલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
ડીઝલ ચોરીમાં ઝડપાયેલા ચાર પૈકી બે ઈસમો આબિદ રફીકભાઈ અને વિનોદ નારાયણસિંઘ વિરુદ્ધ અગાઉ પણ ડીઝલ ચોરી અંગેના ગુનાઓ નોંધાયા હતા અને લાખોના મુદ્દામાલ સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું વરતેજ પોલીસે જણાવ્યું હતું.
આ રીતે કરતા હતા ડીઝલની ચોરી
ડીઝલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ મોડી રાત્રિના પોતાનો ટ્રક લઈને નીકળતા હતા અને ટ્રકમાં બંને સાઈડમાં ડીઝલની ટાંકીઓ રાખતા હતા અને તેમાં થોડું ડીઝલ પુરાવતા હતા. ટ્રકમાં પાછળની સાઈડમાં પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકી ખાલી કેરબા સંતાડી રાખતા હતા. મોડી રાત્રિના સમયે ગમે તે વિસ્તારમાં જઈ હોટલ કે ઢાબા પાસે અથવા રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રકની બાજુમાં પોતાનો ટ્રક ઉભો રાખી ટ્રકની ડીઝલની ટાંકીનો લોક તોડીને તેમાં નોઝલ નાખી ડીઝલ ખેંચી લઈને કેરબા ભરી લેતા તથા ટ્રકની ખાલી ટાંકીઓમાં પણ ડીઝલ ભરી ચોરી કરી વહેલી સવારે અન્ય સ્થળે જવા નીકળી જતા હતા.