નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત દેશની એજ્યુકેશન પોલિસીમાં મહત્વના ફેરફારો થઇ રહ્યા છે જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે કે, હવે કોઈ બાળકને 6 વર્ષની ઉંમર પહેલા ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બાળકોની શરૂઆતની 5 વર્ષની ઉંમર તેમના ભણતર અને મૂળભૂત તબક્કાની છે.
પહેલા શું હતો નિયમ ?
ગયા વર્ષે માર્ચમાં એક પ્રશ્ન પર લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રથમ વર્ગમાં પ્રવેશની ઉંમર અલગ-અલગ છે. તે દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં બાળકોને 6 વર્ષની ઉંમર પહેલા પ્રથમ વર્ગમાં પ્રવેશ લેવાની છૂટ છે. ગુજરાત, તેલંગાણા, લદ્દાખ, આસામ અને પુડુચેરી એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં 5 વર્ષના બાળકોને પણ પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.