એક તરફ સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ભાર વિનાના ભણતરની વાત કરવામાં આવે છે તો બીજીતરફ શિક્ષણ વિભાગ દ્વિભાષી પુસ્તકો છાપવા મામલે ચાલી રહેલી વિચારણા વિવાદનો મધપુડો છંછેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા અંગે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે, આવામાં શિક્ષણ વિદો સરકારના આ નિર્ણય કે તેની વિચારણા ભણતરનો ભાર વધારનારી ગણાવી રહ્યાં છે.
ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા મામલે વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. દ્વિભાષી પુસ્તક છાપવા અંગે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. સરકારની મંજૂરી મળતા ગણિત અને વિજ્ઞાનના દ્વિભાષી પુસ્તકો તૈયાર કરવાની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. આ પહેલા દ્વિભાષી પુસ્તકો અંગે વિચારણા કરવા 15 સભ્યોની કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં આ મુદ્દે વિવાદ થયો હતો. દ્વિભાષી પુસ્તકો છાપવા કે નહીં તે અંગે મળેલી કમિટીની બેઠકમાં 5 સભ્યોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.
આ સભ્યોના મતે દ્વિભાષી પુસ્તક છાપવાથી 200 પાનાનું પુસ્તક 400 પાનાનો દળદાર ગ્રંથ બની જશે. પુસ્તકનું કદ બમણુ થઈ જતા પુસ્તકનો ખર્ચ વાલીઓના માથે આવશે, જે વાલીઓ માટે બમણો સાબિત થશે. એટલુ જ નહી શિક્ષકોને કઈ ભાષામાં વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવો તેની પણ મુશ્કેલી સર્જાશે. પરીક્ષામાં કઈ ભાષામાં લેવી તેને લઈને પણ વિવાદ સર્જાઈ શકે છે. દ્વિભાષી પુસ્તક છાપવા અંગે મળેલી કમિટીની બેઠકમાં એક સભ્ય જે પોતે શિક્ષણ વિદ પણ છે તેઓનું માનવું છે કે દ્વિભાષી પુસ્તક રાજ્યના બે કરોડ બાળકો માટે ભવિષ્યમાં બોજ સાબિત થશે.
આટલા મોટા નિર્ણયમાં શિક્ષકોનું મંતવ્ય લેવામાં નથી આવ્યું. જેથી ભવિષ્યમાં દ્વિભાષી પુસ્તક અંગે સરકારે પોતાના જ શિક્ષકોનો વિરોધ સહન કરવો પડશે. સરકાર પ્રજાના હિતમાં કામ કરે તે માટે દ્વિભાષી પુસ્તકની જરુર નથી. જો સરકાર દ્વિભાષી પુસ્તક છાપવા અંગે વિચારણા કરતી હોય તો તે વિચારણા પર રોક લાગવી જરુરી હોવાનું પણ શિક્ષણ વિદોનું માનવું છે. અહીં એ બાબત મહત્વની છે કે એક તરફ શિક્ષણ વિભાગ દ્વારા ભણતરનો ભાર હળવો કઈ રીતે થાય તેની મથામણ કરી રહ્યું છે. તો બીજી તરફ દ્વિભાષી પુસ્તક છાપવાની વિચારણા ભણતરનો ભાર ઘટાડશે નહીં પરંતુ તેમાં વધારો કરશે તે પણ સમજવું જરુરી છે.