જમીન અંગે લાંબા સમયથી ચાલતા ઝઘડા અંગે સમાધાન કરી લેવા માટે સમજાવવા ગયેલા તળાજા તાલુકાના ભારાપરા ગામના યુવકની તેના કુટુંબીએ માર મારી હત્યા કરી નાખતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના ભારપરા ગામે રહેતા અને ખેતીકામ કરતા તુલસીભાઈ હીરાભાઈ સોલંકી ( ઉં.વ.૩૪ ) ને જમીન બાબતે કૌટુંબીક ભાઈ લક્ષ્મણભાઇ સાથે જૂનો ઝઘડો ચાલતો હતો.
જમીન બાબતે અવારનવાર ઝઘડો થતા તુલસીભાઈ આ બાબતે સમાધાન કરી લેવા અનેક વખત તેના ભાઈને સમજાવતા હતા આમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો ન હતો,દરમિયાન ગત રાત્રીના તુલસીભાઈ હીરાભાઈ સોલંકી વાડી વિસ્તારમાં ગયા હતા અને લક્ષ્મણભાઈને સમાધાન કરી લેવા વાતચીત કરતા હતા તે દરમિયાન લક્ષ્મણભાઈએ ઉશ્કેરાઇ જઈ ગાળો આપવા લાગ્યા હતા અને તેમના દીકરા ગુર્જર અને વિનુભાઈ પણ દોડી આવ્યા હતા અને તુલસીભાઈ ઉપર આડેધડ લાકડાના ધોકા અને કુહાડા વડે હુમલો કરતા તુલસીભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક તુલસીભાઈના ભાઈ રણછોડભાઈ હીરાભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.