૫૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટીકના ઝબલા અને અન્ય ચીજવસ્તુ પર્યાવરણને અત્યંત હાનીકારક છે આથી સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતાં છાનાખુણે તેનું ઉત્પાદન અને વેચાણ ચાલું છે. એટલું જ નહીં નામાંકિત અને પ્રતિષ્ઠિત વેપારીઓ પણ પૈસા બચાવવાના મોહમાં હાનીકારક પ્લાસ્ટીક વાપરીને પર્યાવરણના દુશ્મન બની રહ્યા છે. ભાવનગર મહાપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ રોકવા અસરકારક કામગીરી હાથ ધરી છે અને ખુદ કમિશનર પણ આ મામલે મેદાન છે ત્યારે આજે ભાવનગરના નામાંકિત કહી શકાય તેવા વેપારીઓ કમિશનરની ઝપટે ચડી ગયા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર કમિશનર એન.વી. ઉપાધ્યાય કાળાનાળા વિસ્તારમાં રાઉન્ડમાં હતા એ સમયે બચુભાઇ દુધવાળા-ક્રેવ ઇટેબલ્સ, મહાવીર સ્વીટ અને મહાદેવ કેળા વેફર્સ તપાસ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું હતું. આથી ત્રણેય વેપારીઓને ત્યાંથી પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો જેનું વજન આશરે ૫૦ કિલોથી વધુ થાય છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ સબબ ત્રણેય નામાંકિત વેપારી પેઢીને રૂા.૫-૫ હજાર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્પોરેશનની કામગીરીના પગલે લોકોના ટોળા જામ્યા હતાં અને પર્યાવરણનો દુશ્મન એવા પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનાર વેપારી પેઢીઓની ટીકા શરૂ થઇ હતી !