રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. વાહન ચાલકની નજીવી ભૂલના કારણે અનેક લોકોના અકસ્માતમાં મોત થાય છે. આવી જ અકસ્માતની ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તમામ મૃતદેહોને શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, શહેરના અટલાદર-પાદરા રોડ પર નારાયણ વાડી પાસે ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે બે બાળકોને સારવાર અર્થે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં અરવિંદ પૂનમ નાયક (ઉં.વ 28), કાજલ અરવિંદ નાયક ( ઉં.વ 25), શિવાની અલ્પેશ નાયક (ઉં.વ 12), ગણેશ અરવિંદ નાયક (ઉં.વ 5) અને દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉં.વ 6)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા હાલ તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
બુધવારે સર્જાયા હતા ચાર અકસ્માત
બુધવારે રાજ્યમાં ચાર અલગ અલગ જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં મહીસાગર 8, સુરત 1, વલસાડ 1 અને અરવલ્લી 3ના મોત થયાં હતા. મહીસાગરના લુણાવાડા તાલુકાના કોઠા ગામ નજીક જાનને અકસ્માત નડ્યો હતો. લગ્નની પાઘડી લઈને જતો ટેમ્પો પલટી ખાઈ જતા ભંયકર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 જાનૈયાનાં મૃત્યુ થયા હતા. તો સુરતના કવાસ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર બંધ પડેલી ટ્રકનાં કંડક્ટરનું અન્ય ટ્રકની ટક્કરે મોત થયું હતું. કંડક્ટર બંધ પડેલી ટ્રકની પાછળ ઉભો હતો ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. કંડક્ટર રિફલેક્ટર બાંધતા સમયે પાછળથી ટ્રકે ટક્કર મારતા તેનું મોત થયું હતું.