”સાથે જીવશું, સાથે મરશું”, નવસારીના દંપતીએ સાથે જીવવા મરવાનું વચન પૂરું કર્યું છે. હકીકતમાં નવસારીમાં પતિના મોત બાદ અડધા કલાકમાં પત્નીનું પણ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો દંપતીના અવસાનથી ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
નવસારીના ખેરગામના તોરણવેરા ગામે રહેતા અરુણભાઈ ગાવિત ગત ગુરુવારે રાત્રે બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે ગામ નજીક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. પતિના અવસાનના સમાચાર સાંભળતા જ પત્ની ભાવનાબેન ગાવિત અચાનક જમીન પર પડી ગયા અને બેભાન થઈ ગયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોએ તેમના મૃત્યુનું કારણ હાર્ટએટેક જણાવ્યું હતું. પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીએ પ્રાણ છોડી દીધા હતા. પતિ-પત્નીના મોતને ભેટતા બે માસુમ બાળકો નોધારા બન્યા છે. મૃતક ભાવનાબેન ગાવિત ખેરગામના પૂર્વ સરપંચ હતા.
સેવાભાવી દંપતીના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છવાયો હતો. જે બાદ પતિ-પત્ની બંનેની સાથે અંતિમ યાત્રા નીકળી હતી. આ નજારો જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ હતી. તો અંતિમ યાત્રા વખતે આખું ગામ હિબકે ચઢ્યું હતું.