પાલીતાણામાં રહેતા સોની પરિવારે મુંબઈના વતની એન.આર.આઈ.પરિવારની જમીનના વહીવટદાર તરીકે કરાર કર્યા બાદ વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ ના વર્ષો દરમિયાન એમ.આર.આઈ. પરિવારની રૂ.દોઢ કરોડની જમીન બરોબર વેચી દઈ તે રકમ ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા મુંબઈના એન.આર.આઈ.એ પાલીતાણાના સોની પરિવાર વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના મૂળ વતની અને દુબઈમાં વસતા એન.આર.આઈ. ભુપેશભાઈ હરગોવિંદભાઈ ધકાણે પાલીતાણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપીને જણાવ્યું હતું કે,પાલિતાણામાં રહેતા જયસુખલાલ શાંતિલાલ સતીકુવર ( ભગત સોની ) અને તેના પરિવારને સંબંધીની હેસિયતથી તેના ઉપર વિશ્વાસ અને ભરોસો રાખી વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ દરમિયાન જમીનમાં રોકાણ કરવા માટે મોટી રકમ આપી હતી. જે રકમમાંથી જયસુખલાલ શાંતિલાલ સતીકુવર તેના પત્ની સૂર્યાબેન અને સંતાનો જીગ્નેશ, હાર્દિક, ભાવિક, વગેરે મળી પાલીતાણામાં વિવિધ જગ્યાએ જમીનની ખરીદી કરી હતી.
આ જમીનના વહીવટ માટે માત્ર વહીવટ કરતાની દ્રષ્ટિએ તમામ સ્થાવર મિલકતો અંગે કબુલાતનામુ કરી આપેલ હતું, જેમાં આ પરિવારે જમીનમાં તેમના નાણા નહીં રોકાયા હોવાનું સ્વીકારેલ અને માત્ર આ મિલકતોના વહીવટ કરતા હોવાનું સ્પષ્ટ રીતે દર્શાવેલ હતું. જેની નોંધ પણ નોટરી રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવી હતી.
જમીનની ખરીદીમાં પાલીતાણાનો સોની પરિવાર માત્ર વહીવટકર્તા હોવા છતાં તેમણે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન રૂપિયા ૧.૫૫ કરોડની અલગ અલગ ચાર જમીન વેચી દઈને તે રકમ ઘર ભેગી કરી દીધેલ હોય,તેમજ તેમણે અન્ય જમીન વેચવા માટે પણ કાવાદાવા શરૂ કરતાં ભુપેશભાઈ ધકાણે પરિવાર વિરુદ્ધ પાલીતાણા વોટમાં દીવાની કેસ દાખલ કર્યો હતો, આમ છતાં કોર્ટમાં ન્યાય મળતા લાંબો સમય પસાર થાય તેમ હોય રૂપેશભાઈ ધકાણે જયસુખલાલ શાંતિલાલ સતીકુવર અને તેના પરિવાર વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથતમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૪૦૯,૧૨૦(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.