કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી બ્રિટનમાં નવા લુક સાથે દેખાયા. તેમનો સાત દિવસનો યુકે પ્રવાસ મંગળવારથી શરૂ થયો. તેમણે બુધવારે પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા.
આ દરમિયાન તેમનું સંબોધન અસહિષ્ણુ સમાજમાં ‘સાંભળવાની કળા’ પર કેન્દ્રિત હતું. તેમણે વિશ્વભરમાં લોકશાહી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે નવી વિચારસરણીને જરૂરી ગણાવી. ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં મેન્યુફેક્ચરિંગમાં સતત ઘટાડાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ પરિવર્તને વ્યાપક અસમાનતા અને નારાજગીને જન્મ આપ્યો છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આપણને એવી દુનિયા નથી જોઈતી જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલી ન હોય, તેથી આપણને નવા વિચારની જરૂર છે. આપણે એક એવી દુનિયા બનતા ન જોઈ શકીએ, જ્યા લોકતાંત્રિક મૂલ્ય ન હોય. તેથી જ આપણે નવી વિચારસરણી અપનાવવી પડશે કે આપણે કોઈપણ દબાણ વિના લોકતાંત્રિક વાતાવરણ તૈયાર કરીએ. તેના વિશે ચર્ચા કરીએ.
રાહુલે કેમ્બ્રિજના સ્ટુડન્ટ્સને કહ્યું કે યાત્રા એક એવી સફર છે, જેમાં લોકો પોતાને બદલે બીજાની વાત સાંભળે છે. જણાવી દઈએ કે કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ)ના વિઝિટિંગ ફેલો છે.
કેમ્બ્રિજ જેબીએસએ જણાવ્યું કે એમબીએના વિદ્યાર્થીઓ માટે રાહુલ ગાંધીનું પ્રવચન 21મી સદીમાં ધીરજપૂર્વક સાંભળવાની રીતો શોધવાની આસપાસ રહ્યું. જણાવી દઈએ કે કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીનું લેક્ચર ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. તેમણે ભારત જોડો યાત્રા વિશે તેમના અનુભવો શેર કરીને તેમના ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે આ મુલાકાત દ્વારા તેમણે ભારતમાં બેરોજગારી, અન્યાય અને સતત વધી રહેલી અસમાનતા તરફ ધ્યાન દોર્યું. તેમના ભાષણનો બીજો ભાગ બીજા વિશ્વ યુદ્ધ પછીના અમેરિકા અને બે અલગ અલગ દ્રષ્ટિકોણ પર કેન્દ્રિત હતો. રાહુલે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ નોકરીઓમાં કમી ઉપરાંત, 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ પોતાને સમેટી લીધું છે.
જ્યારે, રાહુલના પ્રવચનનો છેલ્લો ભાગ વૈશ્વિક સંરક્ષણ માટે અનિવાર્ય વિષય સાથે સંબંધિત હતો.
ભારતીયોને પણ સંબોધિત કરશે
રાહુલ ગાંધી 7 દિવસના યુકે પ્રવાસ પર છે. આવી સ્થિતિમાં તેમના પ્રવાસની શરૂઆત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનથી થઈ. કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ગાંધીએ ‘લર્નિંગ ટુ લિસન ઈન ધ 21 સેન્ચુરી’ વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેઓ ભારતીય પ્રવાસીઓને પણ સંબોધિત કરશે.
કેમ્બ્રિજ જેબીએસએ ટ્વીટ કરી કહ્યું હતું કે અમારું કેમ્બ્રિજ ભારતના મુખ્ય વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરીને ખુશ છે. તેઓ આજે કેમ્બ્રિજ જેબીએસને ‘લર્નિંગ ટુ લિસન ઈન ધ 21 સેન્ચુરી’ વિષય પર સંબોધન કરશે.