ભાવનગર, તા.૪
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર પંથકમાં માવઠું થવાની કરેલી આગાહી તેમજ આગામી તહેવારોના અનુસંધાને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા એક અઠવાડિયા સુધી હરાજી સહિતનું કામકાજ બંધ રાખવા નિર્ણય લેવાયો છે આથી આવતીકાલ તારીખ 5ને રવિવારથી એક સપ્તાહ સુધી ભાવનગર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં તારીખ ૪ થી ૬ દરમિયાન માવઠું થવાની આગાહી કરવામાં આવી છે જે અનુસંધાને ખેડૂતોને સાવચેત રહેવા પણ જણાવાયું છે અને ભાવનગરમાં તારીખ પાંચને રવિવારે માવઠું થવાની આગાહી કરાય છે આ ઉપરાંત આગામી દિવસોમાં હોળી ધુળેટીનો તહેવાર આવતો હોય રાજસ્થાની મારવાડી સમાજ આ તહેવાર ઉત્સાહ ભેર ઉજવતો હોય અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મોટા ભાગે રાજસ્થાની મારવાડી મજુરો કામ કરતા હોય તે લોકો હોળી ધુળેટીનો તહેવાર ઉજવવા પોતાના વતન જતા હોય દર વર્ષે માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહ રજા રખાતી હોય તેના ભાગ રૂપે આ વર્ષે પણ આવતીકાલ રવિવારથી એક અઠવાડિયુ યાર્ડ બંધ રહેશે તેમ નરેન્દ્રસિંહ ગોહિલે સૌરાષ્ટ્ર આસપાસ સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવેલ કે હોળી ધુળેટીની રજા બાદ અન્ય દિવસોમાં લીંબુ તથા બકાલાની હરાજી શરૂ રાખવામાં આવશે.