ભાવનગર શહેરના હાર્દ સમા શહિદ ભગતસિંહ ચોકમાં આવેલ બિઝનેસ સેન્ટર દિવસે ને દિવસે જાેખમો ઉભા કરતું જાય છે. જે ચોકમાં દિવસભર આવન-જાવન રહે છે અને તમામ રાજકીય કાર્યક્રમો પણ થતા હોય છે આવા ચોકમાં અકસ્માત કે જાનહાની સર્જાય તેવી રીતે બિઝનેસ સેન્ટર પર મસમોટા હોર્ડીંગ્ઝ લગાડવાનું ગોઠવાઇ રહ્યું છે અને આ મોતનો માચડો ખડકી પણ દેવાયો છે.
આ મામલે મહાપાલિકા જાગૃત પણ બની છે અને આગામી દિવસોમાં પગલા લેવાય તેવી પુરી શક્યતા છે. દરમિયાનમાં અગાશીની કેબીનમાં તમામ ઇલેક્ટ્રીક સ્વીચ બોક્સ અને ફ્યુઝ બોક્સ સાવ ખુલ્લા જ અને જાેખમી હાલતમાં જાેવા મળે છે.
વરસાદ કે ભારે વાવાઝોડાની સ્થિતિમાં આ ખુલ્લા બોક્સ ગમે ત્યારે ઇલે. શોકથી આખા કોમ્પ્લેક્ષને આગની જ્વાળામાં ફેરવી નાખવા પુરતા છે. સુરતમાં કોચીંગ ક્લાસમાં આગની ઘટના સમયે મહાપાલિકા દ્વારા જે-તે સમયે તમામ કોમ્પ્લેક્ષ અને વ્યાપારી સંકુલોને યોગ્ય સાવચેતી અને વ્યવસ્થા માટે નોટિસ આપી હતી પરંતુ શહેરની મધ્યમાના આ કોમ્પ્લેક્ષમાં જાણે કે મહાપાલિકાનો આદેશ હવા જ થઇ ગયો હોય તેમ લાગે છે.