કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોમવારે લંડનમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે તે કાયમ ભારતમાં સત્તામાં બની રહેશે, પરંતુ એવું નથી અને કોંગ્રેસ ખતમ ગઈ છે તેવું કહેવું એક હાસ્યાસ્પદ વિચાર છે.
તેમના અઠવાડિયાના યુકે પ્રવાસના છેલ્લા દિવસે સોમવારે સાંજે ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં એક વાતચીત સત્રને સંબોધતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારની નિષ્ફળતાની પાછળના કારણો પણ જણાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું, “જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીના સમયને જુઓ છો, તો કોંગ્રેસ પાર્ટી વધારે સમય સત્તામાં રહી છે. ભાજપના સત્તામાં આવ્યા પહેલા અમે 10 વર્ષ સત્તામાં હતા. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે તે ભારતમાં સત્તામાં આવી છે અને હંમેશા માટે તે સત્તામાં રહેશે, આવું ક્યારેય નહીં થાય.”
કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ભારતમાં થઈ રહેલા ફેરફારોની તરફ પણ ઈશારો કર્યો, જેણે કોંગ્રેસ અને યુપીએ સરકારને આશ્ચર્યચકિત કરી દીધી હતી, જેમ કે ગ્રામીણથી શહેરીમાં ફેરફાર. તેમણે કહ્યું, “અમે ગ્રામીણ ક્ષેત્ર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને અમે શરૂઆતમાં શહેરી ક્ષેત્રમાં ચૂકી ગયા, આ એક હકીકત છે. પરંતુ એવું કહેવું કે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, તે ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે.’
ભાજપે વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો આરોપ કર્યા
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધીના પ્રહારોનો જવાબ આપ્યો છે. ભાજપે રાહુલ ગાંધી પર ચીનના વખાણ કરતા વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું, “ભારત સાથે દગો ન કરો, રાહુલ ગાંધીજી. ભારતની વિદેશ નીતિ પર વાંધાઓ આ મુદ્દાની તમારી નબળી સમજણનો પુરાવો છે. તમે વિદેશની ધરતી પરથી ભારત વિશે જે જૂઠ ફેલાવ્યું છે તેના પર કોઈ વિશ્વાસ કરશે નહીં.” અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવાના ષડયંત્રના ભાગરૂપે વિદેશી ધરતી પરથી ભારતને બદનામ કરવાનો સહારો લીધો છે.