ભાવનગર, તા.૮
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર રહેતા અને સેથળી ગામ નજીક કેનાલમાં નાહવા પડેલા ચાર યુવાન મિત્રો કેનાલમાં પાણીમાં તણાયા હતા જેની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્રણ યુવકોની લાશ બહાર કાઢી છે જ્યારે હજુ એકની શોધખોળ શરૂ છે.

બનાવ અંગે જાણવા મળ્યા મુજબ બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હતા. કેનાલમાં નાહવા પડેલા ચાર યુવકો પૈકી ત્રણની લાશ મળી આવી છે.એક યુવકની ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. તમામ ચારે યુવકો બોટાદ શહેરના પાળીયાદ રોડ, અશોકવાટિકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં બોટાદ મામલતદાર,ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળા કેનાલ પાસે એકઠા થયા છે અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.



