આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની હાલત ખરાબ થઈ રહી છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ PIA તેના કર્મચારીઓને પૂરો પગાર પણ ચૂકવી શકતી નથી. જેના કારણે પાયલોટ નોકરી છોડી રહ્યા છે. PIA ના 30થી વધુ પાયલોટોએ રાજીનામું આપી દીધું છે. જેના કારણે પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પાયલોટ્સના અચાનક રાજીનામાથી PIA મોટી મુશ્કેલીમાં છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, આર્થિક સંકટને કારણે PIAએ તેના કર્મચારીઓના પગારમાં 35 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પાયલટોએ રાજીનામું આપવાનું શરૂ કર્યું.
પાયલોટ અને તેમના સંગઠનો પગારમાં કાપથી નારાજ છે. પાકિસ્તાન એરલાઇન પાયલોટ્સ એસોસિએશન (PALPA) એ પગારમાં કાપનો વિરોધ કર્યો છે. સંગઠને કહ્યું છે કે છેલ્લા સાત વર્ષથી પાયલોટોના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. PALPA અનુસાર, પાકિસ્તાનમાં ખાનગી એરલાઇન્સ ફર્સ્ટ ઓફિસરને 9 લાખ રૂપિયા (પાકિસ્તાની) પગાર આપે છે. જ્યારે કેપ્ટનને 16-18 લાખ રૂપિયાનો પગાર મળે છે. પાકિસ્તાનની સરકારી એરલાઈન પીઆઈએમાં મોટા ભાગના વરિષ્ઠ પાયલોટોનો પગાર લગભગ 7 લાખ રૂપિયા છે. સંગઠનનું કહેવું છે કે આ પગાર સારું જીવન જીવવા માટે પૂરતો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને કારણે વધુ પાઇલોટ્સ PIA છોડવા માટે તૈયાર છે. તેનાથી પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇન પર વધુ દબાણ આવશે.
PALPA અનુસાર PIAના પાયલોટ વિદેશી એરલાઇન્સમાં જઇ રહ્યા છે. અગાઉ નકલી લાયસન્સ ધરાવતા 262 પાયલોટોની યાદીમાં સ્થાન મેળવનારા કેટલાક પાયલોટોએ પણ પીઆઈએ છોડી દીધું છે. તેમને વિશ્વની ટોપ ક્લાસ એરલાઈન્સ દ્વારા ઊંચા પગાર પર નોકરીની ઓફર કરવામાં આવી હતી. PIAના મોટાભાગના પાયલોટ હવે સારા પગારની શોધમાં વિદેશી એરલાઈન્સમાં જવાની યોજના બનાવી રહ્યા છે. જો આમ થશે તો પીઆઈએ પાસે અનુભવી પાયલોટોની ભારે અછત પડશે.