જાણીતા સાહિત્યકાર અને અનેક એવોર્ડથી સન્માનિત ધીરૂબહેન પટેલનું અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. આજે સવારે તેમની અંતિમયાત્રા સવારે ૧૦.૩૦ કલાકે તેમના અમદાવાદ ખાતેના નિવાસ સ્થાનેથી યોજાઇ હતી.
ધીરુબેન પટેલ નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક જેવા અનેક સાહિત્યપ્રકાર સાથે જાડાયેલા સુખ્યાત લેખિકા હતા. ધીરૂબેનનો જન્મ વડોદરા શહેર ખાતે થયો હતો અને ચરોતર પ્રદેશનું ધર્મજ એ તેમનું મૂળ વતન. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને ઇ.સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી. ૧૯૪૯ – ૧૯૬૩ – ભવન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક, ૧૯૬૩ – ૧૯૬૪ – દહીંસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક, થોડો વખત ‘આનંદ પબ્લીશર્સ’નું સંચાલન, ૧૯૬૩ના વર્ષથી – કલ્કી પ્રકાશન, ૧૯૭૫ સુધી – ‘સુધા’ સાપ્તાહીકનાં તંત્રી તેઓ રહી ચુક્યા હતાં.
૧૯૮૦ તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ગુજરાતી ચલચિત્ર ભવની ભવાઈ નિર્માણ પામ્યું હતું. ૨૦૦૩-૨૦૦૪- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૨માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.