પાકિસ્તાનની આર્થિક કટોકટી જગજાહેર છે. વધતી જતી મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વિશ્વની નાણા સંસ્થાઓ પાસે પાકિસ્તાનના હુકમરાનો આર્થિક મદદની ભીખ માંગી રહયા છે. પાકિસ્તાનની જેમ બીજા પણ એક દેશની આર્થિક હાલત ખરાબ થઇ રહી છે. તેણે તો પાકિસ્તાન કરતા પણ એક સ્ટેપ આગળ વધીને પોતાના દેશની નાગરિકતા વેચવા કાઢી છે.
જો કોઇ વિદેશી નાગરિક ઇચ્છે તો રિયલ એસ્ટેટમાં ૩ લાખ ડોલરનું રોકાણ કરીને દેશની નાગરિકતા ખરીદી શકે છે. જો એમ ના કરે તો ઇજિપ્તની કોઇ પણ બેંકમાં પાંચ લાખ ડોલર જમા કરાવી શકે છે. આર્થિક સંકટમાંથી ઉગરવા માટે નાગરિકતા વેચવા માટેનો પ્રયાસ કરી રહેલા આ દેશનું નામ ઇજિપ્ત છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડાર ખાલીખમ થયો છે તે ભરાય તેમ નથી પરંતુ ગાડું ગબડાવવા માટે આખરી તરણોપાય અજમાવ્યો છે.
ઇજિપ્તના સમાચારપત્ર અહરામને ટાંકીને જણાવાયું છે કે રોકાણ કરીને નાગરિકતા મેળવવા અંગેના ગેજેટ બહાર પાડીને નવા આદેશ અંગે લોકોને જાણ પણ કરવામાં આવી છે. ઇજિપ્ત આજકાલ વિદેશી મુદ્રાની ભારે ભીડ ભોગવી રહયું હોવાથી મોંઘવારી વધતી જાય છે. મોંઘવારીનો આંક ૨૫ ટકાને વટાવી ગયો છે. આર્થિક કટોકટી જોતા હજુ પણ વધારો થવાની શકયતા રહેલી છે. વિદેશથી વસ્તુઓની આયાત થઇ શકતી નથી. દેશના ૧૦ કરોડથી વધુ લોકો ગરીબી રેખાની નીચે જીવી રહયા છે.
ઇજિપ્તની આર્થિક સ્થિતિ ભૂંડી થવા માટે રાજકીય ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિતા એટલી જ જવાબદાર છે.રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી સરકારની લોકપ્રિયતા ઘટતી જાય છે. એક બાજુ ચારે તરફ નાણાભીડ અને બીજી બાજુ ઇજિપ્તની સરકાર ૨૦૧૪થી સુવેઝ નહેરના વિકસાવવાના પ્રોજેકટ પર કામ કરી રહી છે. ૫૦ અબજ ડોલરનો ખર્ચ કરીને કાહિરાને નવી પ્રશાસનિક રાજધાની બનાવી રહી છે. આ પ્રોજેકટસમાં લોકોનો વિરોધ ના થાય તે માટે મિલિટરીની દેખરેખમાં પુરા કરવામાં આવી રહયા છે. લોકોનું માનવું છે કે જયારે દેશ પર આટલું મોટું સંકટ ઘેરાયું છે ત્યારે નાણાનો વેડફાટ કરવાની જરુર નથી.