રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં હાથ પકડીને ચાલનારી નૈના કંવલને સસ્પેન્ડ કરી દેવાઈ છે. નૈના રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં નૈનાને સસ્પેન્ડ કરી દેવાતાં નૈના કંવલ ફરી ચર્ચામાં છે. લોકો કોમેન્ટ કરી રહ્યાં છે કે, રાહુલનો હાથ પકડવાથી આ જ હાલત થાય. નૈનાની હરિયાણા પોલીસે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં ધરપકડ કરાતાં રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે તેને સસ્પેન્ડ કરવી પડી છે.
દિલ્હી પોલીસ અપહરણ કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપીને શોધવા રોહતકના એક ફ્લેટમાં પહોંચી ત્યારે નૈના કંવલ ફ્લેટમાં હાજર હતી. પોલીસને જોઈને નૈના કંવલે ગેરકાયદેસર હથિયારો ફ્લેટની બારીમાંથી નીચે ફેંકી દીધા હતા. નૈના ભાગવાની ફિરાકમાં હતી પણ પોલીસે તેને ઝડપી લઈને ધરપકડ કરી હતી. કુશ્તીબાજ નૈનાએ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ઘણાં મેડલ જીત્યા છે. નૈનાને સ્પોર્ટ્સ ક્વોટામાં રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરની નોકરી મળી હતી.