ભાવનગર, તા.૧૩
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આવતીકાલ 14 માર્ચથી શરૂ થઇ રહી છે જેમાં ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 69,679 વિદ્યાર્થીઓ નોંધાયા છે. અને તેઓની બોર્ડની કસોટી શરૂ થશે.
આવતીકાલથી શરૂ થતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 39,728 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 24,292 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 5659 વિદ્યાર્થીઓ નોંધાયા છે. બે વર્ષે પૂર્વે કોરોનાને લીધે ધો.10માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન હેઠળ પાસ કરી દીધા હતા એટલે આ વર્ષે ધો.12માં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ધોરણ 10માં આ વર્ષે ભાવનગરમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં માત્ર 163નો જ વધારો થયો છે પણ ધો.12માં વિદ્યાર્થીઓની સંખ્યામાં 7247નો નોંધપાત્ર વધારો થયો છે.
તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધો.10માં ત્રણ ઝોન રાખવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ અને મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય તેમજ મહુવામાં કેજી.મહેતા કન્યા વિદ્યાલયને સમાવેશ કરાયો છે. જ્યારે ધો.12માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ભાવનગર શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલમાં સામાન્ય પ્રવાહ માટે અને મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રવાહ માટે ઝોનલ કચેરી રહેશે. જ્યારે તળાજામાં મોડેલ સ્કૂલમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે ઝોનલ કચેરી રહેશે.
૧૦ સેન્ટર સંવેદનશીલ જાહેર
આવતીકાલથી શરૂ થતી ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લાના સંવેદનશીલ સેન્ટરો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાવનગરમાં કુલ ૧૦ સેન્ટરોને સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ સંવેદનશીલ સેન્ટરોમાં ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.
આ પરીક્ષામાં ધો.૧૦માં ૨ સેન્ટર સંવેદનશીલ અને ચાર સેન્ટરને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે ધો.૧૨માં બે સેન્ટર સંવેદનશીલ અને બે સેન્ટર અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.
ધો.૧૦ની પરીક્ષા માટે ભાવનગર જિલ્લાના ટાણામાં વિવેકાનંદ વિદ્યાલય તથા દિહોરના વિવેકાનંદ વિદ્યાલયને સંવેદનશીલ તથા સણોસરાના બજરંગદાસ બાપા વિદ્યાલય, ઠાડચના જીવન જ્યોત વિદ્યાલય, મોટા આસરાણાના રામકૃષ્ણ વિદ્યાલય તથા હાજીપરના ઇશ્વરાનંદ વિદ્યાલયને અતિ સંવેદનશીલ સેન્ટર જાહેર કરાયા છે.
જ્યારે ધો.૧૨માં હાજીપરના ઇશ્વરાનંદ વિદ્યાલય અને ભાવનગરના સહજાનંદ વિદ્યાલય શિવનગરને સંવેદનશીલ તથા ગારિયાધારના એમ.ડી.પટેલ હાઇસ્કૂલ અને વલ્લભીપુરના એમ. આર. દવે ગર્લ્સ હાઇસ્કૂલને અતિ સંવેદનશીલ સેન્ટર જાહેર કરાયા છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સંવેદનશીલ સેન્ટરોમાં સ્ક્વોર્ડ સહિત ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.
ભાવનગરમાં પરીક્ષા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ
ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાઓ આવતીકાલ તા.14 માર્ચથી શરૂ થતી હોય ભાવનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઈ પરીક્ષાાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસથી જે તે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા સમય દરમિયાન વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રના 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર સહિતના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત સ્પીકર કે બેન્ડવાજા અને અવાજ વાળા સાધનોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે આ નિયમનો ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી પગલાં લેવામાં આવશે.