ભાવનગર,તા.૧૩
ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં ફેરફાર કરી પ્રમુખ પદે અભયસિંહ ચૌહાણની તાજપોશી થઈ છે ત્યારે હવે આ સપ્તાહમાં ત્રણ મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની નિમણૂક હાથ ધરાશે. મહામંત્રીની નિમણૂકમાં પ્રદેશ સંગઠન દ્વારા નાના સમાજ- સમુદાયમાંથી આવતા કાર્યકર્તાને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે ધ્યાને લેવા વિચારણા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકીય ક્ષેત્રે બહુમત સમાજના પ્રતિનિધિને મહત્વ અપાતું રહ્યું છે પરિણામે સામાજીક અને સમુદાય રીતે નાના – નાના સમાજને પ્રતિનિધિત્વ હાથ લાગતું નથી ત્યારે સંગઠનમાં ખાસ આ મુદ્દો ધ્યાને લઈ નિમણૂકો કરવામાં આવે તેવી એક સંભાવના જાવાઈ રહી છે, દરમિયાનમાં જૂના જાગીઓ પણ સંગઠનમાં સ્થાન મેળવવા સક્રિય થયા છે તો યુવા કાર્યકરો પણ આશાવાદી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ સંગઠનમાં હોદેદારોની નિમણૂક થશે ત્યારે પદ મેળવવા ઈચ્છુંકોએ ટોપથી બોટમ સુધી ભલામણોનો મારો ચલાવ્યો છે.
ભાજપ સંગઠન દ્વારા પ્રમુખની નિમણુક કરાયા બાદ હવે પ્રદેશ દ્વારા મહામંત્રીઓ માટે નામો મંગાવી આખરી મહોર ત્યાંથી મારવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં પ્રમુખ અભયસિંહ ચૌહાણ કાર્યકર્તાઓની લાગણી અને માંગણી મુજબના નામો સાથેનું લિસ્ટ લઈ પ્રદેશ સંગઠનને સુપ્રત કરશે અને પ્રદેશમાંથી નામોની પસંદગી જાહેર કરાશે.