ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ઋતુ બદલાવ સમયે ફ્લૂના કેસ સામે આવતા હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે ગુજરાતમાંથી ભયજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં એક મહિલાનું H3N2 વાયરસથી મોત થયું છે.
શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા 58 વર્ષીય મહિલામાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો હતા. જેથી તેઓને સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. મહિલાના પરિવારજનોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, કેસ વધવા લાગે તે સમયે H3N2ની તપાસ કરાવવી જોઈએ. પરંતુ દર્દી સાજા ના થાય અને આ વાયરસ પકડમાં ના આવે ત્યારે પણ તપાસ કરાવવી જોઈએ. ડૉકટર જણાવી રહ્યા છે કે, આ વર્ષે સૂકી ખાંસીના સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે, મોટાભાગના દર્દીઓ ઈલાજ વગર સાજા થઈ રહ્યા છે.
H3N2થી સૌથી વધુ કોને જોખમ?
તમામ ઉંમરના લોકોને આ વાયરસ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને આ બિમારી થવાનું સૌથી વધુ જોખમ છે. જો કોઈ વ્યક્તિ સતત બિમાર રહેતી તેણે પણ સાવધાની રાખવી જોઈએ. હેલ્થ કેયર વર્કર્સને ઈન્ફ્લુએન્ઝા થવાનું સૌથી વધુ જોખમ છે.