ભાવનગર, તા.૧૪
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાઓનો ભાવનગર જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. પૂર્વ શિક્ષણમંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તથા જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખ, સિટી ડિવાય.એસ.પી. સિંધલએ આજે સવારે બોર્ડની પરીક્ષાઓના પ્રારંભે બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ ઘોઘા સર્કલ ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.
કલેક્ટરે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
વહિવટી તંત્ર દ્વારા લાયઝન અધિકારીઓ સહિતની વ્યવસ્થાઓ પરીક્ષા માટે ગોઠવવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઇ પણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને ર્નિભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી. તેમણે તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, પાણી, હેલ્પ માટે કંન્ટ્રોલ રૂમની વ્યવસ્થા તથા આરોગ્યલક્ષી પગલાં સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સંવેદનશીલ જણાય તેવાં કેન્દ્રો પર વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. કલેક્ટર સાથે શાળા સંચાલક મંડળ અને શાળાગણે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાનાં પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે કુમ કુમ તિલક કરીને શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
ધો.૧૦માં પ્રથમ દિવસે ૫૫૩ વિદ્યાર્થી ગેરહાજર
ભાવનગર જિલ્લામાં ધો.૧૦ બોર્ડની પરીક્ષા માટે કુલ ૩૧,૫૩૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે તે પૈકી આજે પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર આપવા ૩૦,૯૮૪ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ. જ્યારે ૫૫૩ વિદ્યાર્થી ગેરહાજર નોંધાયેલ.
ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦૦ ટકા હાજરી
ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આજે પ્રથમ દિવસે સહકાર અને પંચાયત વિષયનું પ્રશ્નપત્ર હતું જેમાં ભાવનરગ શહેર અને જિલ્લામાં મળીને ૧૨૭ વિદ્યાર્થીઓ નોંધાયેલ. જે તમામે આજે ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. આમ ૧૦૦ ટકા હાજરી રહેવા પામેલ.
કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક સાથે જાેવા મળ્યા
કોરોના મહામારીનો ભય ફરી વખત ઉભો થયો છે. કોરોનાનો નવો વેરીયન્ટ લોકોને સકંજામાં લઇ રહ્યો છે ત્યારે તેની ભયની અસર બોર્ડના પરીક્ષાર્થીઓમાં પણ જાેવા મળી હતી. ભાવનગરમાં આજે કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક ધારણ કરીને પરીક્ષા આપવા પહોંચ્યા હતાં.