ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ શહેર ફરતી સડક પર ટેન્કર અડફેટે સાઇકલ સવાર અકવાડાની કોલેજીયન યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને યુવતીના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના અકવાડા ગામમાં આવેલ સ્વપ્નસૃષ્ટિમાં રહેતા અને મહિલા કોલેજમાં અભ્યાસ કરતા રાધિકાબેન રમેશભાઈ મકવાણા ( ઉ.વ. ૧૯ ) આજે સવારે ૯ વાગ્યા આસપાસ તેમની સાઇકલ લઈને કોલેજ જઈ રહ્યા હતા ત્યારે સુભાષનગર, શહેર ફરતી સડક પર આવેલ બાપાની મઢુલી નજીક પાણીના ટેન્કર નં. જી.જે. ૩૮ ટી ૭૮૬૬ એ અડફેટે લેતા સાઇકલ સવાર રાધિકાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા બી. ડિવિઝન પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને રાધિકાબેનના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.