ભાવનગર,તા.૧૫
EPS-૯૫માં યોજનામાં સમાવિષ્ટ ૬૦ થી ૯૦ વર્ષના પેન્શનરો દ્વારા આજે પેન્શન વધારાની માંગ સાથે વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું અને તેમની માંગણી મુજબ ૭,૫૦૦ પેન્શન કરવા રજુઆત કરી હતી.
ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના યોજનામાં EPS-૯૫માં સમાવિષ્ટ એસ.ટી.નિગમ, ગુજરાત વિદ્યુત બોર્ડ, ડેરી નિગમ, દુધ સંઘ, ખરીદ વેચાણ સંઘ, સહકારી બેંકો, તમામ કંપનીઓ અને ફેકટરીઓ, ખરીદ વેચાણ ભંડાર, મિલો તેમજ બોર્ડ નિગમોના EPS- ૯૫માં સમાવિષ્ટ પેન્શનર્સ ભાઈઓ-બહેનોને હાલમાં મળી રહેલા નજીવા પેન્શનમાં વધારો કરવા વર્ષો પૂર્વે માંગણી કરેલ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવેલ નથી આથી EPS- ૯૫માં સમાવિષ્ટ ૬૦થી ૯૦ વર્ષ સુધીના વૃધ્ધ ભાઈઓ-બહેનો દ્વારા આજે પેન્શન વધારાની માંગ સાથે શહેરના જશોનાથ ચોક ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. પેન્શનરોના જણાવ્યા મુજબ તેઓને મળી રહેલા ૭૦૦થી ૨૫૦૦ના પેન્શનમાં મહિનાનું દુધ-શાકભાજી પણ આવતું નથી ત્યારે વયોવૃદ્ધ પેન્શનરો શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય પેન્શનમાં તાત્કાલીક વધારો કરવા રજૂઆત કરી હતી.