ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સીરિઝ શરૂ થઈ રહી છે. પ્રતિષ્ઠિત શ્રેણીની પ્રથમ મેચ આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ દરમિયાન રોહિત શર્મા જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે બધાની નજર તેના પર હશે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશેષ રેકોર્ડ પૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. આ પછી વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર ડેસમન્ડ હેન્સ (2262) પછી રોહિત શર્મા (2208)નું નામ આવે છે. શર્મા ઓસ્ટ્રેલિયા સામે 55 રન બનાવતાની સાથે જ તે હેન્સને પાછળ છોડીને કાંગારૂ ટીમ સામે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની જશે. હાલમાં તે ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, 3077 રન સાથે સચિન આ સૂચિમાં ટોપ પર છે.
પ્રથમ વનડેમાં નહીં રમે રોહિત
ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં રમાનાર પ્રથમ વનડેમાં રોહિત શર્મા મેદાનમાં નહીં ઉતરે. તેની પત્ની રિતિકા સજદેહનો ભાઈ કુણાલ સજદેહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. શર્મા અને તેની પત્ની કુણાલના લગ્નમાં વ્યસ્ત છે. તેવામાં રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળશે.