દેશના ઘણા રાજ્યોમાં વધતા તાપમાન અને તપતાં સૂર્ય વચ્ચે હવામાન ટૂંક સમયમાં બદલાઈ જશે. હવામાન વિભાગએ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરી છે. IMDની આગાહી અનુસાર દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16, 17, 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. 16 માર્ચે ગાજવીજ સાથે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, અને કચ્છમાં માવઠાની સંભાવના છે. સાથે જ 17 માર્ચે સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, ડાંગ, નર્મદા, નવસારી, અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અને અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 થી 19 માર્ચ દરમિયાન મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશના આંતરિક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ કે કરા પડવાની સંભાવના છે. આ ઉપરાંત 16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વ ભારતમાં અને 17 થી 19 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં વ્યાપક વરસાદની સંભાવના છે.
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, પશ્ચિમ હિમાલય પર છૂટાછવાયા વરસાદ અને બરફ ઓછામાં ઓછા આગામી 4 થી 5 દિવસ સુધી ચાલુ રહેશે. જો કે આ પછી હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને હિમાલય વિસ્તાર સહિત ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
18 અને 19 માર્ચે અહીં માવઠાની શક્યતા
18 માર્ચે તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, નવસારી અને દમણમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.