MPમાં એક ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પાવાગઢ મંદિરથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા દર્શનાર્થીઓનું વાહન દ્રાક્ષ લઈ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા તો 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી ભયાવહ હતી કે ડ્રાઈવરનો મૃતદેહ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જેને પછીથી કાચ તોડીને નીકાળવામાં આવ્યો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે મળેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના આશરે 22 દર્શનાર્થી ગુજરાતમાં આવેલા પાવાગઢ માતાજીના દર્શન કરવા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાથી નીકળ્યાં હતાં, જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે દ્રાક્ષથી ભરેલી આઈશર ટ્રક સાથે અથડાયા હતા. દુર્ઘટના સ્થળે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતે પોલીસને આ બાબતે જાણકારી આપી. ઘટનાસ્થળે હાજર લોકોએ એમ્યુલન્સને બોલાવી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.