ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેટ અજય બંગાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદના ઉમેદવાર અજય બંગા શુક્રવારે ભારત પહોંચ્યા છે. પરંતુ નવી દિલ્હીમાં નિયમિત પરીક્ષણ દરમિયાન અંજય બંગાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ આઈસોલેશનમાં છે. મહત્વનું છે કે તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, અજય બંગા નિયમિત પરીક્ષણ દરમિયાન કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે, પરંતુ તેઓ એસિમ્પટમેટિક છે એટલે કે તેઓમાં હજી સુધી કોરોનાના લક્ષણો દેખાતા નથી. સ્થાનિક માર્ગદર્શિકાને અનુસરીને તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ભારતના પ્રવાસ દરમિયાન અજય બંગા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. બંગાના નોમિનેશનની જાહેરાત થયા પછી તરત જ, ભારતે તેમની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું.