વિદેશમાં ભારતીય હાઈ કમિશનમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલ તોડફોડની ઘટનાઓ પર હવે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. જણાવી દઈએ કે ભારતે શુક્રવારે કહ્યું કે તે આ ઘટનાઓમાં સંડોવાયેલા લોકો સામે સંબંધિત દેશોમાં ફક્ત આશ્વાસન નહીં પણ વિદેશમાં ભારતીય મિશનમાં તોડફોડના કરનારાઓ સામે કાર્યવાહીની અપેક્ષા રાખે છે.
આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતને આશા છે કે સંબંધિત દેશો આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે પગલાં લેવામાં આવશે.’ જણાવી દઈએ કે પંજાબમાં કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ સામે પોલીસની કાર્યવાહી બાદ ખાલિસ્તાન સમર્થકોએ લંડન, બ્રિટિશ કોલંબિયા, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મિશનમાં તોડફોડ કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ વિશે આગળ કહ્યું હતું કે, “અમને માત્ર આશ્વાસન આપો તેમાં રસ નથી, અમે કાર્યવાહી જોવા માંગીએ છીએ.’ ભારતે આ મુદ્દો કેનેડિયન સત્તા સાથે પણ ઉઠાવ્યો છે. નોંધનીય છે કે ભારતીય હાઈ કમિશનરને હાજરી આપવા માટે કેનેડામાં એક કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. આ વિશે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમારી અપેક્ષા છે કે કોઈપણ દેશમાં અમારા રાજદ્વારીઓ તેમની કાયદેસર અને સામાન્ય રાજદ્વારી ફરજો એમજ કાર્યો કરી શકે એ માટે યજમાન દેશોએ યોગ્ય માહોલ સુનિશ્ચિત કરવો જોઈએ.’
ભારત સુરક્ષાના જુદા જુદા ધોરણોને સ્વીકારશે નહીં
ખાલિસ્તાની ઝંડા લહેરાવતા અને ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા ગયા રવિવારે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર લહેરાવેલા ત્રિરંગાને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો આ વિશે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ કડક મૂડમાં છે. જણાવી દઈએ કે શુક્રવારે બેંગલુરુમાં, તેમણે કહ્યું કે “ભારત સુરક્ષાના જુદા જુદા ધોરણોને સ્વીકારશે નહીં. તેમણે યુકે પર હાઈ કમિશનના રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પૂરી ન કરવાનો આરોપ પણ મૂક્યો હતો. જયશંકરે કહ્યું, “રાષ્ટ્રધ્વજ અને હાઈ કમિશનની સુરક્ષા પર બ્રિટનમાં આ કિસ્સામાં… દેશની જવાબદારી છે કે કોઈ રાજદ્વારીને તેનું કામ કરવા માટે સુરક્ષા પૂરી પાડવામાં આવે. “