મા દુર્ગાની ઉપાસના કરવાનો પવિત્ર અવસર એટલે નવરાત્રી આ દિવસોમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આજે નોરતાની આઠમ હોવાથી માઇ મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આઠમ નિમિત્તે માઇ મંદિરોમાં નવચંડી સહિત યજ્ઞ અને ભજન-ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી માઈમંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આઠમ નિમિત્તે નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોડીરાતથી અંબાજી મંદિરમાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. બોલમારી અંબે જય જય અંબેના નાદથી મંદિર ગુંજી રહ્યું છે. આજે સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મા અંબાજીના આશીર્વાદ લીધા હતા. ચૈત્રી નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ છે.
પાવાગઢ સ્થિત મહાકાળી માતાના મંદિરે દર્શને પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. મોડી રાત્રીથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ જેટલા ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા છે. નિજ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગી છે. સ્થાનિક પોલીસ વહેલી સવારથી યાત્રાળુઓના ધસારા વચ્ચે સૌ યાત્રિકો શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થામાં લાગી ગઈ હતી. આજે પાવાગઢ મંદિરમાં આઠમનો હવન કરવામાં આવશે.