અમદાવાદમાંથી ઝડપાયેલા રુપિયા 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં ગુજરાત પોલીસે રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત ઈન્કમટેક્સ એક્ટની કલમ 75નો ઉમેરો કર્યો છે. આ કૌભાંડમાં ઝડપાયેલા 4 આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચારેય આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કૌભાડમાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડવામાં માટે પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ રાજ્યોમાં રવાના થઈ છે.
રાજ્યમાં અત્યાર સુધી ક્યારેય પણ ઈન્કમટેક્સની કલમ 75નો ઉપયોગ થયો નથી. જો કે ક્રિકેટના આ સટ્ટાના કૌભાંડમાં લોકો પાસેથી રુપિયા લઈને એક એકાઉન્ટમાંથી બીજા કોઈ વ્યક્તિ મારફતે તેમજ આરટીજીએસ તથા હવાલાથી વિદેશ મોકલવામાં આવ્યા હોવાથી આ કલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં ઝડપાયેલા 4 આરોપીઓના લેપટોપ, મોબાઈલ ફોન, સીમકાર્ડ મળ્યા હતા અને આ સીમકાર્ડમાં લોક હોવાથી તેને ખોલાવીને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
શહેરમાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાના 4 આરોપી સિવાય અન્ય મુખ્ય આરોપી સામે લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી વિગત પ્રમાણે આ આરોપી મહાદેવ, અમિત મજેઠિયા, માનુશ શાહ, અન્ના રેડ્ડી, વિવેક જૈન હાલમાં દુબઈમાં છે. આ તમામ આરોપી સામે પોલીસે લૂક આઉટ નોટિસ જારી કરી છે. આ તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ અને અન્ય માહિતી ભેગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસને અલગ અલગ 19 જેટલી બેંકમાંથી 538 જેટલા એકાઉન્ટ મળ્યા હતા.